મરાઠાઓને શિક્ષણ, નોકરીમાં અનામત માટે આજે વિધાનસભાનું ખાસ સત્ર
50 ટકાની મર્યાદા ઉપરાંત 10 થી 12 ટકા અનામતની સંભાવના
બેક વર્ડ ક્લાસ કમિશનના સર્વે રીપોર્ટને બહાલી આપી તેના આધારે અનામત જાહેર થવાની સંભાવનાઃ મરાઠા-ઓબીસી વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે અનામતની ૫૦ ટકા મર્યાદા ઉપરાંત મરાઠાઓેને ૧૦થી ૧૨ ટકા વિશેષ અનામત આપવાની જોગવાઈ માટે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. મરાઠાઓને શિક્ષણ તથા નોકરીમાં ૧૦થી ૧૨ ટકા વિશેષ અનામતની જોગવાઈ થાય તેવી સંભાવના છે. સરકાર આ જોગવાઈ માટે તાજેતરમાં પછાત વર્ગ પંચ દ્વારા અપાયેલા અહેવાલને આધાર બનાવશે તેમ માનવમાં આવે છે.
નિવૃત્ત જસ્ટિસ સુનિલ શુક્રેનાં વડપણ હેઠળનાં મહારાષ્ટ્ર પછાત વર્ગ પંચ દ્વારા તાજેતરમાં મરાઠાઓનું પછાતપણું નક્કી કરતો એક વિશેષ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. સરકાર આ પંચના અહેવાલને આધાર તરીકે ટાંકીને મરાઠા અનામત માટે જોગવાઈ કરશે તેમ માનવામાં આવે છે.
રાજ્યના બે કરોડથી વધુ ઘરોનાં નવ દિવસ દરમિયાન હાથ ધરાયેલાં સર્વેક્ષણ પછી પંચે મરાઠાઓ અંગે આ અહેવાલ સુપરત કર્યો છે.
આ રીપોર્ટનાં તારણો રજૂ કરાયાં નથી. પરંતુ તેમાં મરાઠાઓ શૈક્ષણિક તથા સામાજિક રીતે પછાત હોવાની પુષ્ટિ કરવામાં આવી હોવાનું કહેવાય છે. હવે આ રીપાર્ટના આધારે મરાઠા અનામત માટે કઈ રીતે જોગવાઈ કરવી તે સરકારે સુનિશ્ચિત કરવાનું છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મરાઠા અનામત માટે પગલાં લેવા આ સત્ર બોલાવાયું હોવાનંટ જણાવતાં ઉમેર્યું હતું કે સરકાર ઓબીસી કે અન્ય સમુદાયોનાં અનામતને નુકસાન ન થાય તે રીતે મરાઠાઓને અનામત આપવા ધારે છે.
અગાઉ, રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર પણ આ જ રીતે પછાત વર્ગના પંચના અહેવાલના આધારે મરાઠાઓને વિશેષ અનામતની કવાયત કરી ચુકી છે. ત્યારે પણ આ જ રીત ેવિધાનસભામાં ઠરાવ કરી મરાઠા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. ફડણવીસ સરકારે ૧૬ ટકા અનામતની જોગવાઈ કરી હતી. પરંતુ હાઈકોર્ટે મરાઠા અનામતને બહાલ ીઆપવાની સાથે શિક્ષણમાં ૧૨ ટકા અને નોકરીઓમાં ૧૩ ટકા અનામતની જોગવાઈને બહાલી આપી હતી. જોકે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતની જોગવાઈ ફગાવતાં કહ્યું હતું કે કુલ અનામતની મર્યાદા ૫૦ ટકા સુધી જ રહેવી જોઈએ તેવા ઈન્દિરા સહાની કેસના ચુકાદામાં ફેરફાર કરવાની કોઈ જરુર નથી.
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે વિશેષ કાયદાની માંગ સાથે ફરી ઉપવાસ ચાલુ કરી દીધા છે. તેમની માંગને અનુસરીને સરકાર આ વિશેષ સત્ર બોલાવી રહી છે.
સરકારે કુણબી જાતિના હોવાના રેકોર્ડ મળે તે મરાઠાઓ અને તેમના સ્વજનોને પણ કુણબી જાતિ પ્રમાણપત્ર આપી ઓબીસી અનાતમનો લાભ આપવાની ખાતરી ઉચ્ચારી છે. જોકે, મનોજ જરાંગે પાટિલ તમામ મરાઠાઓ માટે કુણબી જાતિ પ્રમાણપત્રની માગણી કરી રહ્યા છે.
બીજી તરફ સરકારની આ હિલચાલથી ઓબીસી સમુદાય નારાજ છે. સરકારના જ એક મંત્રી છગન ભુજબળ સહિતના ઓબીસી આગેવાનોની દલીલ અનુસાર સરકારની આ હિલચાલથી ઓબીસી અનામત પર તરાપ આવશે.