સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોર્ટમાં હાજર રહેતાં વિશેષ કોર્ટે વોરન્ટ રદ કર્યું
માલેગાંવ બોમ્બ ધડાકા કેસના આરોપીને હાજર રહેવાનો નિર્દેશ
તબીબી દસ્તાવેજો અને ખરાબ તબિયતને જોતાં કોર્ટે નિર્ણય લીધો
મુંબઈ : ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં આરોપી ભાજપના સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુર વિશેષ કોર્ટ સમક્ષ હાજર રહેતાં કોર્ટે તેમની સામે જારી કરાયેલો જામીનપાત્ર વોરન્ટ રદ કરાયો હતો.
વિશેષ કોર્ટે ઠાકુરના તબીબી અહેવાલ અને નબળી આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે વોરન્ટ રદ કર્યો હતો. ઠાકુર તેમના મદદનીશ સાથે કોર્ટમાં હાજર હોવાની નોંધ કરવામાં આવી હતી. ઠાકુરે જણાવ્યું હતું કે તેઓ બેસી કે ચાલવા કે સહી કરવા પણ અક્ષમ હતા.
અગાઉ ઠાકુર વતી તેમના વકિલે કોર્ટને જાણ કરવામાં આવી હતી કે ઠાકુર અહીં સુનાવણી માટે આવ્યા હતા પણ એરપોર્ટ પર તબિયત બગડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઠાકુરના વકિલે અરજી કરીને વોરન્ટ પર સ્ટે માગ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ આવ્યા હતા પણ એરપોર્ટ પર તબિયત બગડતાં હોસ્પિટલ ખસેડવા પડયા હતા. રજૂઆતને ધ્યાનમાં રાખીને ઠાકુરને હોસ્પિટલમાંથી રજા અપાય નહીં ત્યાં સુધી વોરન્ટ પર સ્થગિતી આપવામાં આવી હતી અને ૨૮માર્ચે કોર્ટમાં નિવેદન નોંધાવવા હાજરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે ૧૧ માર્ચે ઠાકુર સામે રૃ. ૧૦ હજારના જામીનપાત્ર વોરન્ટ જારી કર્યો હતો. વારંવાર ચેતાવણી આપવા છતાં તેઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા નહોતા. કોર્ટે ૨૦ માર્ચે કોર્ટમાં હાજર રહીને વોરન્ટ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા માલેગાંવ બોમ્બ ધડાકામાં છ જણના મોત થયા હતા અને સોથી વધુ ઈજા પામ્યા હતા.