Get The App

સાસુમા પર બળાત્કારના કેસમાં જમાઈને થયેલી જેલની સજા બહાલ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
સાસુમા પર બળાત્કારના કેસમાં  જમાઈને થયેલી જેલની સજા બહાલ 1 - image


પુત્રીથી જુદા રહેતા જમાઈએ સમાધાનના બહાને લઈ જઈ શરમજનક કૃત્ય કર્યું

સંમતિથી સંબંધ બાંધ્યો  હોવાની દલીલ કોર્ટે ફગાવીઃ જૈફ વયે આવું આળ કોઈ લે નહીં, પોલીસ ફરિયાદ કરે નહીં, પુત્રીને જાણ કરે નહીં

મુંબઈ :  સાસુ પર  બળાત્કાર કરનારા શખસની સજા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે બહાલ રાખીને નોંધ્યું હતું કે આ શરમજનક કૃત્ય છે અને પીડિતા તેના માટે માતા સમાન હતી.

ન્યા. સાનપે ચુકાદામાં નોંધ કરી હતી કે પીડિતા કસૂરવારની માતાની વયની હતી અને તેણે પીડિતાનું શીયળ લૂંટયું છે. જમાઈ ક્યારેય આવું હીચકારું કૃત્ય કરશે એની કલ્પના પણ મહિલાએ કરી નહી હોય અને તેણે આખી જિંદગી આવા કલંક સાથે રહેવું પડશે, એમ કોર્ટે નોંધ્યું હતું.

સેશન્સ કોર્ટે માર્ચ ૨૦૨૨માં આપેલા ચુકાદામાં આરોપીને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપીએ ચુકાદાને પડકાર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૮માં ૫૫ વર્ષિય સાસુ પર તેણે બળાત્કાર કર્યાનો આરોપ હતો.

ફરિયાદીએ આરોપ કર્યો હતો કે તેનો જમાઈ અને પુત્રી જુદા રહે છે અને તેમના બે બાળકો જમાઈ સાથે રહેતા હતા. બનાવના દિવસે આરોપીએ પીડિતાના ઘરે આવીને તેની સાથે ઝઘડો કર્યો અને પત્ની સાથે સમાધાન કરવાના પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. આરોપીના દબાણને લીધે પીડિતા તેના ઘરે ગઈ હતી. રસ્તામાં આરોપીએ દારુ પીધો હતો અને કથિત રીતે સાસુ પર ત્રણ વાર બળાત્કાર કર્યો હતો.

મહિલાએ ઘટનાની જાણ પુત્રીને કરી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જમાઈએ અપીલની અરજીમાં દાવો કર્યો હતો કે આ સંમતિથી બાંધેલા સંબંધ હતા અને તેને ખોટી રીતે બળાત્કારના કેસમાં ફસાવાયો છે.

હાઈકોર્ટે દલીલ ફગાવીને જણાવ્યું હતું કે ૫૫ વર્ષની વયે કોઈ મહિલા પોતાના ચરિત્ર પર ખોટું આળ મૂકી શકે નહીં.

આવી બાબતે પોલીસ ફરિયાદ કરીને તેના પરિણામનો સામનો કરવો પડે છે. જો સંમતિથી સંબંધ બાંધ્યો હોત તો તેણે પોલીસ ફરિયાદ કરી નહોત. જો સંમતિનું કૃત્ય હોત તો તેણે પુત્રીને જાણ કરી નહોત.


Google NewsGoogle News