માતાને સરપ્રાઈઝ આપવા પુત્ર લંડનથી 16 હજાર કિમી કાર ચલાવી થાણે આવ્યો
59 દિવસનો પ્રવાસ ખેડયો, 16 દેશોની હદમાંથી પસાર થયા
જોકે, માતાએ આવું સાહસ કરવા બદલ ઠપકો જ આપ્યો, હવે કાર શિપમાં મોકલી પુત્ર પોતે રીટર્ન ફ્લાઈટમાં જશે
મુંબઇ : થોડાં સમય પહેલાં લંડનથી કલકત્તા વચ્ચેની બસની માહિતી વાયરલ થતાં આજની ઘણી યુવાપેઢી આશ્ચર્યમાં ગરકાવ પામી હતી કે લંડનથી બસમાં કલકત્તા કેવી રીતે પહોંચી શકાય! પરંતુ તાજેતરમાં જ લંડનમાં રહેતા પુત્ર વિરાજીત મુંગલેએ મુંબઈ નજીક થાણેમાં રહેતી માતાને મળવા માટે લંડનથી થાણેનો કાર પ્રવાસ ખેડયો હતો. તેમણે ૫૯ દિવસ સુધી કાર ચલાવી હતી. ૧૬ દેશો પાર કરી ૧૮ હજારથી વધારે કિમીનું અંતર કાપી તેઓ લંડનથી થાણે પહોંચ્યા હતા. પત્ની તથા મિત્રોએ તેમને આ સાહસ માટે પ્રેરણા આપી હતી પરંતુ થાણે પહોંચતાં વેંત આવું સાહસ કરવા બદલ માતાએ તેમને ઠપકો આપ્યો હતો.
વિરાજીત મુંગલે બ્રિટીશ ઈન્ડિયન છે. કાર ડ્રાઈવિંગ અને ફરવાના તેમના શોખને કારણે તેમણે ફલાઈટની ટૂંકી સફરને બદલે કારમાં આવવાનું પસંદ કર્યું હતું. તેમણે બે મહિનાની રજા લીધી હતી અને માર્ગમાં આવતા તમામ દેશોમાંથી પસાર થવા માટે જરુરી મંજૂરીઓ પણ મેળવી લીધી હતી.
વિરાજીત ઐતિહાસિક સિલ્ક રોડની વાર્તાથી ઘણા પ્રભાવિત હતા. તેવા જ કોઈ પ્રવાસનું તેમનું સ્વપ્ન હતું. તેમણે પોતાના પ્રવાસ દરમ્યાન એક દિવસમાં આશરે ૪૦૦ થી ૬૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તે સાથે જ સુરક્ષાનું ધ્યાન રાખતાં તેમણે રાત્રીના સમયે ડ્રાઈવિંગ કરવાનું ટાળ્યું હતું. લંડનથી થાણે આવતાં સુધીમાં તેઓ જર્મની, રશિયા, ચીન જેવા દેશોમાંથી પસાર થયાં અને ત્યાંના ભોજનનો સ્વાદ પણ તેમણે માણ્યો હતો.
જોકે આ પ્રવાસ સરળ નહોતો. રસ્તામાં ઘણી જગ્યાએ તેમને ઊંચાઈ અને ઓછાં ઑક્સિજનને કારણે બીમારીનો પણ સામનો કરવો પડયો હતો. ૫૨૦૦ મીટરની ઊંચાઈ અને ખરાબ વાતવરણને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જોકે હવે પાછા જતી વેળાએ વિરાજીત ફરી રોડ ટ્રિપ નહીં કરે. તેઓ પોતાની કાર શિપ દ્વારા લંડન પાછી મોકલશે અને પોતે ફલાઈટમાં પરત ફરશે.