મેઈન્ટેનન્સ નહીં ભરતા સભ્યની મિલકત સોસાયટી જપ્ત કરી શકેઃ હાઈકોર્ટ
મેઈન્ટેનન્સની બાકી રહેલી રકમ વસૂલીનો સોસાયટીને અધિકાર
જપ્તીની કાર્યવાહી રદ કરવા બદલ સબ રજિસ્ટરારને ઠપકોઃ સોસાયટીને અધિકાર છે તે આંચકી શકાય નહીં
મુંબઈ : મેઈન્ટેનન્સ નહીં ભરનારા રહેવાસીઓ પર જપ્તીની કાર્યવાહી કરનારી ગૃહનિર્માણ સોસાયટીને હાઈકોર્ટે રાહત આપી છે. આ કાર્યવાહી કરવા માટે પરવાનગી નહીં આપતા સબ રજિસ્ટ્રારના આદેશને કોર્ટે રદ કર્યો છે.
કાયદાનું હનન સહન કરી શકાશે નહીં, એવા કડક શબ્દોમાં કોર્ટે સબ રજિસ્ટ્રારને સંભળાવ્યું હતું. રહેવાસીઆના બાકી રહેતા મેઈન્ટેનન્સની અસર સમગ્ર સોસાયટી પર થાય છે. વસૂલીનો અધિકાર કાયદા હેઠળ સોસાયટીને આપ્યો છેે. આ અધિકાર સોસાયટી પાસેથી આચંકવો યોગ્ય નથી. આ ગેરકાયદે કૃત્ય ચલાવી શકાય નહીં, એમ ન્યા. અમિત બોરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું.
કેસની વિગત અનુસાર લીગસી ગૃહનિર્માણ સોસાયટીએ અરજી કરી હતી. ૧૨ સભ્યોની સોસાયટી છે. તેમાં એક સભ્ય વર્ષોથી મેઈન્ટેનન્સ ભરતુતા ન હતા. તેમની બાકી રકમ રૃ. ૩૦ લાખ જેટલી થઈ ગઈ હતી. વસૂલી કરવા સોસાયટીએ સબ રજિસ્ટ્રાર પાસે અરજી કરી હતી. વસૂલી માટે માલમતાની જપ્તિની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી સોસાયટીએ કરી હતી. સબ રજિસ્ટ્રારે વિનંતી નકારી હતી. સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સબ રજિસ્ટ્રારને ઠપકો આપીને સોસાયટીને રાહત આપી હતી.
કાયદા અનુસાર મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી કાયદાએ ગૃહનિર્માણ સોસાયટીને બાકી રહેલી મેઈન્ટેનન્સની રકમ વસૂલવાનો અધિકાર અપાયો છે. સબ રજિસ્ટ્રાટની પરવાનગીથી વસૂલી માટે સોસાયટી ઘર પર જપ્તી લાવી સકે છે, એવી જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.