બદલાપુર કેસમાં અફવા ફેલાવનારી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ
અફવા ફેલાવનારી અંબરનાથની ઋતિકાના ઈન્સ્ટા પર 5.50 લાખ ફોલોઅર્સ
પીડિતા બાળકી તથા તેની સગર્ભા માતાની શારીરિક હાલત વિશે ખોટી માહિતી વાયરલ કરતાં પરિસ્થિતિ વધુ વણસી
મુંબઇ : બદલાપુરની સ્કૂલમાં કિન્ડર ગાર્ડનમાં ભણતી જાતીય શોષણનો ભોગ બનેલી એક બાળકી તથા તેની સગર્ભા માતાની તબીયત વિશે અફવા ફેલાવનારા ઇન્સ્ટાગ્રામ યુઝરની ધરપકડ કરવામાં આવી છે. પાંચ લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી યુવતીએ સોશિયલ મીડિયા પર ખોટો મેસેજ વાયરલ કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઇ હોવાનું કહેવાય છે.
પીડિત બાળકી અને તેની માતાના સ્વાસ્થ્ય અંગેના કેટલાક ભ્રામક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હતા. થાણે શહેર પોલીસના સાયબર સેલે આ સંદેશાનું મૂળ શોધી કાઢ્યું હતું. છેવટે અંબરનાથમાં રહેતી ઇન્સ્ટાગ્રામમાં ૫.૫. લાખ ફોલોઅર્સ ધરાવતી ઋતિકા પ્રકાશ શેલારે (ઉ.વ.૨૧)આ મેસેજ પોસ્ટ કર્યા હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું.
આમ અફવાઓ ફેલાવીને સમાજમાં અશાંતિ ફેલાવવા બદલ બદલાપૂર (પૂર્વ) પોલીસે કેસ નોંધી આ યુવતીને પકડીને વધુ તપાસ આદરી હતી.
બદલાપુરની સ્કૂલમાં સફાઇ કર્મચારી યુવકે બે બાળકીનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ આ ઘટનાના વિરોધમાં હિંસક આંદોલન કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્કૂલમાં તોડફોડ, પથ્થરમારો કરી ટ્રેનો રોકવામાં આવી હતી.પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. પથ્થરમારામાં અનેક પોલીસ જખમી થયા હતા. બાદમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પીડિત એક બાળકીના મૃત્યુ અને તેની સગર્ભા માતાની તબીયત વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. આથી ગેરસમજના લીધે તંગદિલી વધી ગઇ હતી.