પાલિકાના નાના સ્વીમિંગ પુલ ખાનગી હાથોમાં ફી વધશે, સુવિધા ઘટશે
ઐશિયાની સૌથી શ્રીમંત પાલિકાને સ્વિમિંગ પુલ ચલાવવા પરવડતા નથી
સ્વિમિંગ પૂલ પીપીપી મોડેલથી ચલાવવા સામે નાગરિકોનો વિરોધ; ખાનગી કોન્ટ્રાક્ટરો આવશે તો મનોરંજનને બદલે પૈસાં કમાવવાની વૃત્તિ વધશ
મુંબઈ : પોતાના નાના સ્વિમિંગ પૂલમાંથી થતી આવકની ખોટને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકા તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ દ્વારા ચલાવવાની શક્યતાનો અભ્યાસ કરી રહી છે. જેમાં પૂલને મધરાત સુધી ખુલ્લા રહેવાની મંજૂરી પણ અપાઈ શકે છે. અત્યારે પાલિકાના પૂલ માટે માત્ર ૫૫ ટકા જ સભ્યો છે અને વધુ સભ્યોને આકર્ષવા પાલિકા પર દબાણ છે. મોટા પૂલ પણ ખોટમાં ચાલી રહ્યાં છે. કારણ તેમાંય સંચાલનનો ખર્ચ આવક કરતાં વધી ગયો છે. આથી પાલિકા હવે સ્વિમિંગ પૂલના સભ્યો બમણા કરવા અને તેનું પીપીપી મોડલથી સંચાલન કરવા વિચારી રહી છે. જેથી હાલમાં ચાલતી સ્વિમિંગ પૂલની સર્વિસને યથાવત્ ચાલું રાખી શકાય.
સ્વિમિંગપૂલનો હવાલો સંભાળતા એક વરિષ્ઠ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાબતે આગળ વધતા પહેલાં આ દરખાસ્તની શક્યતાનો હું અભ્યાસ કરવા માગુ છું. જ્યારે હું જોડાયો ત્યારે પીપીપી મોડેલ પહેલેથી જ અમલમાં હતું. હવે અમે એ જોઈ રહ્યા છીએ કે તે પાલિકા, નાગરિકો તેમજ ખાનગી કંપની એમ દરેકને લાભદાયી બની શકે છે કે કેમ. જ્યારે પણ આપણે આવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડેલ્સ જોઈએ ત્યારે નાણાકીય તેમજ જાળવણીની બાબતો તરફ પણ ધ્યાન દોરવું પડતું હોય છે.
જોકે નાગરિકોનું માનવું છે કે, પીપીપી મોડેલથી સ્વિમિંગ પૂલ્સ ચલાવાશે તો તેની ફીનો ખર્ચ વધી જશે. બીજીતરફ પાલિકાના એક સર્ક્યુલરમાં કહેવાયું છે કે, સ્વિમિંગ પૂલનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે પાંચથી રાત્રે ૧૦નો નિર્ધારિત કરાયો છે. જોકે પીક ટાઈમ ભીડ ઘટાડવા સ્વિમિગ પૂલ મધરાત સુધી ખુલ્લા રહે છે. જોકે તેનો કોઈ વધારાનો ચાર્જ પાલિકા સભ્યો પાસેથી લઈ શકશે નહીં. આ મોડેલને ધ્યાનમાં લેવું જોઈએ નહિ. તે સામાન્ય માણસના હિતના વિરુદ્ધમાં છે. કારણ આ એક સસ્તા દરે થતી મનોરંજન અને જ્ઞાાનની પ્રવૃત્તિ છે. જો તેમાં ખાનગી કોન્ટ્રાક્ટરો ભાગીદાર બનશે તો પૈસા કમાવાની વૃત્તિ વધશે અને મનોરંજનની પ્રવૃત્તિઓ કોરાણે મૂકાઈ જશે.