આંગણવાડીના મધ્યાહ્ન ભોજનના પેકેટમાં નાનો મૃત સાપ મળ્યો
મહારાષ્ટ્રના સાંગલીમાં ખળભળાટ
વાલીએ કરેલાં દાવાની ચકાસણી કરવા અધિકારીઓએ ફૂડ પેકેટ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યું
મુંબઇ : પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આંગણવાડી અર્થાત્ સરકાર સંચાલિત નર્સરી સ્કૂલમાં બાળકો માટેના મધ્યાહ્ન ભોજનના પેકેટમાંથી કથિત રીતે એક નાનો મૃત સાપ મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ સોમવારે પલુસ ખાતે એક બાળકના માતા-પિતા દ્વારા કરવામાં આવી હતી, એવું રાજ્યના આંગણવાડી વર્કર યુનિયનના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું. જોકે આ બાબતે જિલ્લાધિકારી તરફથી કોઈ માહિતી મળી નથી.
છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોને આંગણવાડીઓમાં મધ્યાહ્ન ભોજનના પેકેટમાં દાળ-ખિચડીનું પ્રિમિક્સ મળે છે. સોમવારે પલુસમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા ભોજનના પેકેટનું વિતરણ કરાયું હતું, જેમાં એક બાળકના વાલીઓએ દાવો કર્યો છે કે તેમને નાનો મરી ગયેલો જોવા મળ્યો હતો. આંગણવાડી 'સેવિકા' (મહિલા કાર્યકર્તા) એ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી.
સાંગલી જિલ્લા પરિષદના ઉપ મુખ્ય કાર્યકારી અધિકારી અને ફૂડ સેફ્ટી કમિટીના અન્ય અધિકારીઓએ આંગણવાડી પહોંચી જઈ પેકેટને લેબ-ટેસ્ટિંગ માટે મોકલ્યું હોવાની માહિતી મળી છે. જોકે આ બાબતે કોઈ અધિકારીએ સ્પષ્ટપણે કોઈ ખુલાસો કર્યો નથી કે તેમનો સંપર્ક પણ થયો નથી.