ઈલે. ફેનનો કરંટ લાગતાં નિંદ્રાધીન પતિ-પત્નીનાં મોત
પુણે પાસેના બારામતીની કરુણ ઘટના
શોર્ટ સર્કિટ બાદ ટેબલફેનમાંથી વિજપ્રવાહ લોખંડના પલંગમાં ઉતર્યો
મુંબઈ - પુણે જિલ્લાના બારામતીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં રાત્રે ભર ઉંઘમાં સૂતેલા એક દંપત્તિનું ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું. ટેબલ ફેનનો વાયર શોર્ટસર્કિટ બાદ દંપત્તિ સુતેલ લોખંડના પલંગને અડી જતા વિજ પ્રવાહ લોખંડના પલંગમાં ઉતર્યો હતો. જેનો શોક લાગવાથી આ કરુણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં મોતને ભેટેલ દંપત્તિનું નામ નવનાથ રામા પવાર (૪૦) અને સંગીતા નવનાથ પવાર (૩૮) છે.
આ બાબતે વધુ વિગતાનુસાર સંગીતા અને નવનાથ બન્ને ૧ એપ્રિલના રોજ રાત્રે સાડાદસ વાગ્યે ભોજન પરવારી તેમના રૃમમાં સૂવા ગયા હતા. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ વિજ પુરવઠો ખંડિત થયો હતો. ત્યાર બાદ થોડા સમયે વિજ પુરવઠો પાછો શરૃ થયો હતો. આ દરમિયાન ટેબલફેનના વાયરમાં શોર્ટ સર્કિટ થાય બાદ વાયર બળી ગયો હતો અને આ વાયર દંપત્તિ જે લોખંડના ખાટલા પર સૂતા હતા તેના સંપર્કમાં આવી જતા લોખંડના ખાટલામાં વિજ પ્રવાહ ઉતર્યો હતો. પરીણામે દંપત્તિને ઉંઘમાં જ જોરદાર શોક લાગ્યો હતો અને તેમનું મોત થયું હતું.
આ ઘટના બાદ સવારે ઘણા સમય સુધી દંપત્તિના ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓએ તેમને અવાજ આપ્યો હતો. જોકે કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓ ભેગા થયા હતા અને તેમના એક સગાને જાણ કરી હતી. અંતે બધાએ મળીને ઘરનો દરવાજો ખોલતા લોખંડના પલંગ પર દંપત્તિ મૃતાવસ્થામાં મળી આવ્યું હતું.
આ ઘટના બાબતે મૃતક નવનાથના એક સંબંધીએ પોલીસને જાણ કરતા માળેગાવ પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળનું પંચનામું કરી દંપત્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બાદ પોલીસે આ ઘટના ખરેખર કુદરતી છે કે તેની પાછળ કોઈ મેલી રમત રમાઈ છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.