ડાન્સ પ્રેક્ટિસમાં ન આવવા બદ્દલ 6 વર્ષીય બાળકીને ફૂટપટ્ટીથી ફટકારી
થાણેની ખાનગી શાળાની ઘટના
વાર્ષિકોત્સવની પ્રેક્ટિસ કરાવવા નિયુક્ત કરેલ નૃત્ય શિક્ષક સામે પોલીસે એફઆઈઆર નોંધી
મુંબઈ - થાણેની એક ખાનગી શાળામાં છ વર્ષીય વિદ્યાર્થિનીને સ્ટીલની સ્કેલથી મારવાના આરોપસર પોલીસે એક પુરુષ નૃત્ય શિક્ષક સામે કેસ નોંધ્યાની માહિતી મળી છે.
કાપુરબાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાએ તેના વાર્ષિકોત્સવ માટે નૃત્ય શીખવવા એક ૩૨ વર્ષીય શિક્ષકની નિયુક્તિ કરી હતી. ૧૫ જાન્યુઆરીએ આ શિક્ષકે સંબંધિત વિદ્યાર્થિનીને આગલા દિવસે ન આવવા માટેનું કારણ પૂછ્યું હતું. તે દરમ્યાન જ પ્રેક્ટિસ કરતી વેળાએ તેણે છ વર્ષીય બાળકીને સ્ટીલની ફૂટપટ્ટીથી ફટકારી હતી, એવું કાપુરબાવડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
પીડિત વિદ્યાર્થિનીની માતાની ફરિયાદને આધારે પોલીસે આ ડાન્સ ટીચર સામે કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) કાયદા હેઠળ એફઆઈઆર નોંધી છે. આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.