કન્ટેનર ટ્રક કાર પર પલ્ટી ખાઈ જતા સાંગલીના એક જ પરિવારના છનું મોત
- બેંગ્લોરના નેલમંગલાના ટોકરે નેશનલ હાઈવેની ઘટના
- નાતાલના વેકેશનમાં ગામે જઈ રહેલા પરિવારને કાળ ભરખી ગયો
મુંબઈ : નાતાલ વેકેશન દરમિયાન ગામે જઈ રહેલા પરિવારની કાર પર કન્ટેનર ટ્રક પલ્ટી ખાઈ જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પરિવારના છ સભ્યોનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સાંગલીનાં જત ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ, આ ઘટના બેંગ્લોરના નેલમંગલાના ટોકરે નેશનલ હાઈવે પાસે બની હતી. જેમાં ૪૬ વર્ષીય ચંદ્રમ ઈગપ્પગોલ, ૪૦ વર્ષીય તેની પત્ની ધોરાબાઈ, ૧૬ વર્ષીય પુત્ર ગણ, ૧૦ વર્ષીય પુત્રીઓ દીક્ષા અને ૬ વર્ષીય આર્યા તથા ચંદ્રમના ભાઈની પત્ની ૩૫ વર્ષીય વિજયાલક્ષ્મીનું મોત થયું હતું.
ચંદ્રમ ઈગાપ્પગોલ સાંગલીના મોરાબાગીનો વતની છે. તે બેંગ્લોરમાં સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. નાતાલની રજા હોવાથી તે પોતાના પરિવાર સાથે તેના સાંગલીના જત ગામ માટે રવાના થયો હતો. જેમાં ત્રણ મહિના પહેલા જ લીધેલી કારમાં સવાર થઈને પરિવાર સાંગલી જઈ રહ્યું હતું.
આ સમયે બેંગ્લોરના નેલમગલાના ટોકરે નેશનલ હાઈવે પાસે કન્ટેનર ટ્રક નિયંત્રણ ગુમાવતા ચંદ્રમની કાર પર પલ્ટી ખાઈ ગયું હતું. જેથી ભીષણ અકસ્માત સર્જાયો હતો.જેમાં પરિવારના છ સભ્યોનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક ખોરવાયો હતો.
ઘટનાની જાણ થતા જ નેલમંગલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને બચાવ કામગીરી કરતા પોલીસે ત્રણ ક્રેનની મદદથી વાહનોને રસ્તા પરથી દૂર ખસેડવામાં આવ્યા હતા તથા ટ્રાફિકને સરળ બનાવ્યો હતો.
આ મામલે નેલમંગલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ હતી.