મુંબઇમાં બે નાઇજિરિયન સહિત છ રૂા. 1.65 કરોડના ડ્રગ સાથે પકડાયા
- એન્ટી નાર્કોટિક્સ સેલની અલગ અલગ કાર્યવાહી
- કુર્લા, ગોવંડી સહિતના વિસ્તારોમાંથી કોકેન, મેફેડ્રોન સહિતનાં ડ્રગ ઝડપાયાં
મુંબઈ : મુંબઇ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે જુદા જુદા ઓપરેશનમાં કોકેન, મેફેડ્રોન, કોડીનની બોટલ જપ્ત ક રી છે. એની અંદાજિત કિંમત રૂા.૧.૬૫ કરોડ છે. આ કાર્યવાહી દરમિયાન બે નાઇજિરિયન સહિત છ ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એન્ટી નાર્કોટિક્સ સેલની ઘાટકોપર અને વરલી યુનિટે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું.
પહેલા કેસમાં કુર્લા પૂર્વમાંથી ૪૦ વર્ષીય સંજીવ સરકારને ૩૯૬ ગ્રામ કોકેન સાથે પકડવામાં આવ્યો હતો. એની કિંમત રૂા.૧.૧૮ કરોડ હતી. બીજા બનાવમાં ૨૮ વર્ષીય નયુમ શેખને ગોવંડીમાંથી કોડીનની ૯૦૦ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એની કિંમત રૂા.૪.૫ લાખ હતી. આ ઉપરાંત ત્રીજા કેસમાં રૂા.૪૨.૫૦ લાખની કિંમતના ૧૭૦ ગ્રામ મેફેડ્રોન સાથે બે નાઇજિરિયન નાગરિકની ધરપકડ કરાઇ હતી.
અધિકારીએ જણાવ્યું કે એન્ટી નાર્કોટિક્સ સેલે ગયા વર્ષે રૂા.૬૦.૬૩ કરોડની કિંમતના ૩૪૯૨.૮૬૭ કિલોગ્રામ માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. આ દરમિયાન ૯૩ કેસમાં ૧૮૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.