મહારાષ્ટ્રમાં ઓક્ટો.ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી ઉથલપાથલના સંકેત

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ઓક્ટો.ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી ઉથલપાથલના સંકેત 1 - image


ભાજપને શિંદે તથા અજિતના સાથનો કોઈ ફાયદો નહિ

ભાજપે લોકસભા ચૂંટણીમાં થાપ ખાતાં હવે ઓક્ટોબરની વિધાનસભામાં  ફૂંકી ફૂંકીને પગલાં ભરવાં પડશે

મુંબઇ :   ૨૦૨૪ની લોક સભાની ચૂંટણીનાં આંચકાજનક   અને અણધાર્યાં  પરિણામ સાથે હવે મુંબઇ અને મહારાષ્ટ્રના રાજકારણનાં સમીકરણો બદલાઇ શકે છે.ખાસ કરીને આ પરિણામ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માટે ભારે મોટા આઘાતસમાં બની રહેશે. 

 આ જ આંચકાજનક પરિણામને ધ્યાનમાં રાખીને આજે  બપોર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી.બેઠકમાં  ભાજપના  મહારાષ્ટ્ર એકમના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઇ ભાજપના પ્રમુખ આશીષ શેલાર,પ્રવીણ દરેકર, રાહુલ નાર્વેકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકારણના ગહન અભ્યાસીઓના કહેવા મુજબ લોક સભાની ચૂંટણીનાં પરિણામ મુંબઇ સહિત મહારાષ્ટ્રના રાજકારણમાં  બહુ મોટા  પરિવર્તનના સંકેતરૃપ બની રહેવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને આ આંચકો  ભાજપ માટે બહુ મોટા બોધપાઠરૃપ બની રહેશે.  

 સૌથી પહેલી અને મહત્વની વાત. મહારાષ્ટ્ર વિધાનસભાની  ચૂંટણી ૨૦૨૪ના ઓક્ટોબરમાં યોજાશે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની સરકાર છે. એટલે કે મહાયુતિનિ સરકારમાં ભાજપ, શિવ સેના, એન.સી.પી. એમ  ત્રણ ત્રણ રાજકીય પક્ષો છે. આમ તો શિવ સેનાનું એકનાથ શિંદેનું જૂથ મૂળ બાળા સાહેબ ઠાકરેની શિવ સેનામાંથી અલગ થયું છે. જ્યારે એન.સી.પી.નું અજિત પવારનું જૂથ પણ મૂળ શરદ પવારની એન.સી.પી.માંથી જુદું થયું છે.

હવે ે લોક સભાની ચૂંટણીનાં જે પરિણામ જાહેર થયાં તેમાં મુંબઇની કુલ છ બેઠકમાંથી  ભાજપને ગણીને ઉત્તર મુંબઇની માંડ એક બેઠક(પિયુષ ગોયલ) મળી છે. બીજીબાજુ છેલ્લા  સમાચાર મુજબ મુંબઇમાં શિવ સેના(યુટીબી)ને ત્રણ  બેઠક પર વિજય મળ્યો છે.   

 સાથોસાથ આખા  મહારાષ્ટ્રની કુલ ૪૮ બેઠકમાંથી ભાજપને ૧૦ બેઠક મળી છે. સામા પક્ષે શિવ સેના(યુટીબી) -૧૦, કોંગ્રેસ -૧૩, એન.સી.પી(શરદ પવાર) -- ૭ એમ કુલ મળીને ૨૯ બેઠક મળી છે.

૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાની યુતિને કુલ ૪૮માંથી ૪૨ બેઠક  મળી હતી. એટલે લોક સભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને બહુ મોટું નુકસાન થયું છે. 

લોક સભાની એક બેઠકમાં વિધાનસભાની કુલ છ બેઠકોનો સમાવેશ થાય છે. આ ગણિત મુજબ મુંબઇમાં  વિધાનસભાની કુલ ૩૬ બેઠકો છે. હવે આવતા ઓકટોબરની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે બહુ મોટો પડકાર બની રહેશે. મહત્વનો મુદ્દો તો એ પણ છે કે ભાજપને  તેના બંને સાથી પક્ષ શિવ સેના (એકનાથ શિંદે)અને એન.સી.પી. ( અજિત પવાર જૂથ થકી કોઇ જ રાજકીય ફાયદો નથી થયો. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે એકનાથ શિંદે અને અજિત પવાર બંને મહારાષ્ટ્રના રાજકારણની ચોપાટમાં નબળા ખેલાડી સાબિત થયા છે. 

સમગ્ર રીતે કહીએ તો  મહારાષ્ટ્રના રાજકારણના આટાપાટા ખેલવામાં જબરા ઉસ્તાદ ગણાતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ક્યાં અને કઇ ગણતરી અવળી પડી તથા મતદારોનાં મનને સમજવામાં ક્યાં થાપ ખાઇ ગયા તેનું   આત્મનિરીક્ષણ તો ભાજપે જરૃર કરવું પડશે.



Google NewsGoogle News