સિદ્દીકીની હત્યા અનમોલના ઈશારે, લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા નથીઃ પોલીસ
બિશ્નોઈ ભાઈઓ અલગ અલગ ગેન્ગ ચલાવે છે
અનેક નાની નાની કડીઓ જોડવા હજુ તપાસ જરુર હોવાની પોલીસની પૂછપરછ બાદ ૧૩ આરોપીના રિમાન્ડ લંબાવાયા
મુંબઈ - એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પકડાયેલા ૧૩ આરોપીને વિશેષ કોર્ટે ૧૬ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી છે. પોલીસે રિમાન્ડ લંબાવવાની અરજીમાં રજૂઆત કરી હતી કે જેલમાં રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા હજી આ કેસમાં બહાર આવી નથી, જ્યારે તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ અલગ ગેન્ગ ચલાવે છે.
પોલીસે કોર્ટને જણાવ્યું હતંુ કેસ કેસમાં એકથી વધુ નાની નાની લિંક છે અને કેસની તપાસ પૂરી કરવા તમામ છેડાને ભેગા કરવા પડે તેમ છે અને આને માટે કસ્ટડી જરૃરી છે.
અનમોલ બિશ્નોઈ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં સક્રિય છે અને તે ગેન્ગ લીડર તરીકે નામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, એમ સરકારી પક્ષે વિશેષ કોર્ટને જણાવ્યું હતું. અનમોલે નીતિન સપરેને રૃ. ૪૦ હજાર મોકલાવ્યા હતા. અને કેસમાં આર્થિક બાબતોની કડી મેળવવાની બાકી છે. બિશ્નોઈ ભાઈઓ હવે અલગ અળગ ગેન્ગ ચલાવી રહ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
તપાસ એજન્સીએ અગાઉ કેસમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ હોવાનો દાવો કર્યો હતો અને હવે સ્પષ્ટતા કરી રહ્યા છે કે તેની કોઈ ભૂમિકા નથી જણાઈ. તપાસ એજન્સી આરોપીની ભૂમિકા ભારપૂર્વક જણાવી શક્યા નથી.
એમસીઓસીએ લાગુ કર્યા પછી પણ એ જ અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યા છે જેઓ પોલીસ કસ્ટડીમાં કરી રહ્યા હતા.
હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલા મુંબઈ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં ૨૬ આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમનો સમાવેશ થાય છે.
૧૨ ઓક્ટોબરે માજી પ્રધાન સિદ્દીકીની બાંદરા પૂર્વમાં ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી. ૩૦ નવેમ્બરે પોલીસે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) કાયદો લાગુ કર્યો હતો.
૨૬માંથી ૧૩ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેમને વિશેષ કોર્ટમાં હાજર કરાયા હતા. ગુના સંબંધી આર્થિ બાબતની તપાસ કરવાની જરૃર હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાકીના આરોપીઓ અદાલતી કસ્ટડીમાં છે. કેસમાં જેલમાં રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોનો ભાઈ અનમોલ અને અન્ય વ્યક્તિ શુભમ લોણકર ફરાર છે.