શ્વેતા તિવારીએ હાઈકોર્ટમાં છેતરપિંડીનો કેસ રદ કરવા માટેની અરજી પાછી ખેંચી
બીકેસી પોલીસે એ-સમરી રિપોર્ટ દાખલ કર્યા બાદ
ટીવી સ્ટારના ભૂતપૂર્વ પતિ અભિનવ કોહલીએ પુત્રના વિઝા મેળવવા પોતાની બોગસ સહી કર્યાનો આરોપ કરેલો
મુંબઈ - ટેલિવિઝન કલાકાર શ્વેતા તિવારીએ તાજેતરમાં પોતાની સામે છેતરપિંડીનો કેસ રદ કરવાની અરજી બોમ્બે હાઈ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. પોલીસે એ-સમરી રિપોર્ટ રજૂ કર્યા બાદ તિવારીએ અરજી પાછી ખેંચી હતી. અપુરતા પરાવાને કારણે તપાસ બંધ કરવામાં આવતી હોવાનો અહેવાલ એટલે એ-સમરી રિપોર્ટ.
હાઈકોર્ટના ન્યા. સારંગ કોતવાલ અને ન્યા. નીલા ગોખલેની બેન્ચે ૧૮ ડિસેમ્બરે બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ દ્વારા રજૂ કરાયેલા અહેવાલને સ્વીકાર્યો હતો અને તિવારીને તેની અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી હતી.
આ કેસ માર્ચ ૨૦૨૧નો છે. તિવારીના ભૂતપૂર્વ પતિ અભિનવ કોહલીએ ૨૦૧૭માં પોતાના પુત્રને બ્રિટન લઈ જવા વિઝા મેળવવા તિવારીએ એનઓસી પર પોતાની ખોટી સહી કરી હોવાનો આરોપ કર્યો હતો. કોહલીએ પોતે ક્યારેય એનઓસી આપી નહોવાનું બ્રિટીશ કોન્સુલેટને જણાવતાં વિઝા રદ થયા હતા.
આ બાબતે એફઆઈઆર નોંધાયા બાદ તિવારીએ હાઈકોર્ટમાં આ કેસ રદ કરવા માટે અરજી કરી હતી. અરજીમાં તિવારીએ દલીલ કરી હતી કે એફઆઈઆર ૨૦૨૧માં ઘટનાના વર્ષો બાદ કરવામાં આવી છે. દંપતી વચ્ચેના અંગત વિખવાદને કારણે કેસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
તિવારીએ જણાવ્યું હતું કે ૨૦૧૮માં પોતે અને કોહલી સંમતિથી તેમના પુત્રની ફિઝિયોથેરાપી કરાવવા બ્રિટન ગયા હતા અને એ વખતે કોહલીએ એનઓસી આપી હતી. તેમના વચ્ચે સંબંધ વણસ્યા પછી જ પુત્રને લઈને વિદેશ જતી રહીશ એવી ચિંતાને પગલે એફઆઈઆર કરવામાં આવી છે.
બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસે તાજેતરમાં એ સમરી રિપોર્ટ દાખલ કરીને પુરાવાના અભાવે કેસ બંધ કરી રહ્યાનું જણાવ્યું હતું. તિવારીએ ઘરેલુ હિંસાની ફરિયાદ કર્યા બાદ તેના અને કોહલી વચ્ચે૨૦૧૯માં છૂટાછેડા થયા હતા.