શ્રેયસ તળપદે 10 મિનિટ માટે ક્લિનિકલી ડેડ થઈ ગયો હતો
સમયસર ટ્રીટમેન્ટ મળી એટલે બચી ગયો
સીપીઆર અને શોક ટ્રીટમેન્ટ બાદ ફરી ચૈતન્ય આવ્યું : શ્રેયસે આપવીતી વર્ણવી
મુંબઇ : શ્રેયસ તળપદેએ પોતાને આવેલા હાર્ટ એટેક તથા ત્યારબાદ મળેલી સારવારની આપવીતી શેર કરતાં કહ્યું છે કે હું તે દિવસે ૧૦ મિનિટ માટે ક્લિનિકલી ડેડ થઈ ચૂક્યો હતો. જોકે, સમયસર સીપીઆર તથા ઈલેક્ટ્રિક શોકના કારણે મારું બંધ પડેલું હૃદય ફરી ધબકતું થયું હતું અને હવે આ વાત કહેવા માટે હું જીવતો છું.
શ્રેયસે જણાવ્યું હતું કે તા. ૧૪મીએ 'વેલકમ ટૂ જંગલ'નાં શૂટિંગ બાદ તેને શ્વાસની તકલીફ થઈ હતી અને ડાબા હાથમાં દુખાવો થયો હતો. હું કારમાં બેઠો હતો અને ઘરે પહોંચ્યો હતો. જોકે, મારી પત્ની તરત જ મારી હાલત સમજી ગઈ હતી અને તે મને વેળાસર હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલમાં પ્રવેશતી વખતે જ મારો ચહેરો સુન્ન પડી ગયો હતો અને હું બેભાન થઈ ગયો હતો.
બાદમાં ડોક્ટરોએ કહ્યું હતું કે એ દસ મિનિટ માટે હું ક્લિનિકલી ડેડ હતો. આ એવી અવસ્થા છે જ્યારે વ્યક્તિનું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે. તેના ધબકારા બંધ થઈ જાય છે અને બ્લડ પમ્પિંગ થતું નથી. તબીબોએ તરત જ મને સીપીઆર ટ્રીટમેન્ટ આપી હતી અને ઈલેક્ટ્રિક શોક આપ્યા હતા. તેના લીધે મારું બંધ પડેલું હૃદય ફરી ધબકવા લાગ્યું હતું અને આમ મારી આયુષ્ય દોરી લંબાઈ ગઈ હતી.
શ્રેયસે સ્વીકાર્યું હતું કે પત્ની દિપ્તી સમય પારખીને તેને હોસ્પિટલ ન લઈ ગઈ હોત તો તે દિવસે તેનું બચવું મુશ્કેલ હતું.
શ્રેયસની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે તે સ્વસ્થ થઇગયો છે અને શૂટિંગ પણ શરુ કરી રહ્યો છે.