વિલેપાર્લેમાં એરપોર્ટ પાસેની બિલ્ડીંગમાંથી પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો શૂટ કર્યો
બળજબરીથી ફ્લેટમાં ઘૂસનારા રિપોર્ટર, વીડિયો જર્નાલિસ્ટ સામે કેસ
સોસાયટીના સેક્રેટરી અને સિક્યુરિટી ગાર્ડે પરવાનગી આપી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું
મુંબઇ : વિલેપાર્લે (પૂર્વ)માં એરપોર્ટ નજીકની બિલ્ડીંગના ફ્લેટમાં ઘૂસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝ્યુઅલ શૂટ કરવા બદલ એક ન્યૂઝ ચેનલના પત્રકાર અને વીડિયો જર્નાલિસ્ટની સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
વિલેપાર્લે (પૂર્વ)માં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની નજીક આવેલી પાયવાડી એસઆરએ કોએપરેટિવ સોસાયટીમાં ૧૧મા માળા પર ૬૧ વર્ષીય મહેશ પટેલ રહે છે. તે રિક્ષા ડ્રાઇવર છે. તેમની ફરિયાદના આધારે વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં કલમ ૪૪૮, ૧૮૮, ૩૨૩, ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે રિઝર્વ બેન્કના કાર્યક્રમ માટે મુંબઇની મુલાકાત લીધી હતી. પટેલના જણાવ્યા મુજબ પહેલી એપ્રિલના સવારે બે શખસ કેમેરા અને સ્ટેન્ડ સાથે તેના ઘરે આવ્યા હતા. સોસાયટીના સેક્રેટરી અને સિક્યુરિટી ગાર્ડે મોદીના વીડિયો શૂટ કરવાની પરવાનગી આપી હોવાનું બંનેએ કહ્યું હતું. પછી તેઓ બળજબરીથી પટેલના ફ્લેટમાં ઘૂસી ગયા હતા. તેમણે લગભગ ૧૫ મિનિટ સુધી પટેલના ફ્લેટની બારીમાંથી પીએમના સ્પેશ્યલ એરક્રાફ્ટ અને મોદીના વિઝ્યુઅલ શૂટ કર્યા હતા.
પટેલની બારીમાંથી એરપોર્ટ પર એરક્રાફ્ટ તેમજ વીઆઇપીનું આગમન જોઇ શકાય છે. ફરિયાદી મહેશ પટેલે આ બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે મામલાની વધુ તપાસ આદરી છે.