મનોદિવ્યાંગ બાળકોની સતામણી વિશે સાંભળી કાળજું કાંપે છે : હાઈકોર્ટ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
મનોદિવ્યાંગ બાળકોની સતામણી વિશે સાંભળી કાળજું કાંપે છે : હાઈકોર્ટ 1 - image


માનખુર્દના બાળગૃહ વિશે સામે સતામણીના આક્ષેપો 

પારાવાર ગંદકી વચ્ચે બંધ રખાયા, અપૂરતો ખોરાક અપાતો હોવાની રજૂઆતઃ સરકાર તથા સોસાયટીનો જવાબ માગ્યો

મુંબઈ :  માનખુર્દમાં  મનો દિવ્યાંગ બાળકોની શારીરિક અને માનસિક સતામણીનો આરોપ કરતી જનહિત અરજીનો  જવાબ નોંધાવવા બોમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપીન નિરીક્ષણ કર્યું હતું કે આવા પ્રકારના આરોપો સાંભળી  કાળજું કંપી જાય છે.

બાળકોના આશ્રયગૃહની આસપાસ રહેતા અભિષેક તિવારીએ આ જનહિત અરજી કરી હતી. ચિલ્ડ્રન્સ એઈડ સોસાયટી દ્વારા આ ગૃહ ચલાવાય છે. બાળકોને અપુરતો ખોરાક અને અસ્વચ્છ વાતાવરણમાં રાખવામાં આવતા હોવાનું જોઈને અરજદારને આંચકો લાગ્યો હતો. કેટલાંક ને માનસિક અને શારીરિક ત્રાસ પણ અપાયો હતો. અત્યંત ગંભીર અને એકથી વધુ વિકલાંગતા  ધરાવતા બાળકોને ગંદા રૃમમાં બંધ કરાયા હતા જ્યાં તેઓ ખાતા, સૂતા અને કુદરતી હાજત પણ કરતા હતા. તેમને શૌચાલય અને બાથરૃમની સફાઈ કરવાની ફરજડ પડાતી હતી, એમ અરજીમાં જણાવ્યું હતું.

અરજદારે પોલીસ અને રાજ્યના ન્યાય અને મહિલા બાળ વિકાસ ખાતાને ફરિયાદ કરી હતી. પણ કોઈ પગલાં લેવાયા નહોતા. પ્રિન્સિપાલ અને સ્ટાફ સામે પગલાંની માગણી કરાઈ હતી.પુરાવા નષ્ટ કરાયા છે અને પરિસરમાં સીસીટીવી કવરેજ નથી. જે બાળકોએ ફરિયાદ કરી હતી તેમની બદલી કરાઈ છે, એમ અરજદારે જણાવ્યું હતું.

 બાળ કલ્યાણ સમિતિ સહિતની ચાર ઓથોરિટીને કોઈ ગેરરીતિ જણાઈ નહોવાનું પ્રિન્સિપાલ વતી કોર્ટને જણાવાયું હતું. કોઈ ગુનો આચરાયો નહોવાથી પોલીસે કેસ નોંધવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે આરોપો અનં તેની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ વકિલ ઝુબિન બહેરામકામદીન અને એડવોકેટ  ગુલનાર મિસ્ત્રીને કોર્ટ મિત્ર તરીકે નિમ્યા છે. જજે નોંધ્યું હતું કે આ બાબતે તપાસની જરૃર છે. અરજીમાં કરાયેલા આરોપો ધૂ્રજાવી નાખનારા છે. સરકારને કહેવાદો કે તેમણે તપાસ હાથ ધરી છે. જનહિત અરજી ટકી શકે તેમ નથી એ કહેવું પુરતું નથી.

કોર્ટે સુનાવણી આઠ નવેમ્બર પર રાખી છે સરકાર અને સોસાયટીને જવાબ નોંધાવવા નિર્દેશ અપાયો છે.



Google NewsGoogle News