બદલાપુરની ઘટના આઘાતજનક, પોલીસે ભીનું સંકેલવા પ્રયાસ કર્યોઃ એફઆઈઆરમાં વિલંબથી હાઈકોર્ટ ધૂંઆપૂંઆ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
બદલાપુરની ઘટના આઘાતજનક, પોલીસે ભીનું સંકેલવા પ્રયાસ કર્યોઃ એફઆઈઆરમાં વિલંબથી હાઈકોર્ટ  ધૂંઆપૂંઆ 1 - image


સુઓમોટો નોંધ લઈ સુનાવણીમાં કહ્યું, પોલીસ બહુ હળવાશથી વર્તી

ભારે આઘાતજનક અને સૌની ચેતના ખળભળાવી નાખે તેવી ઘટના, પોતાની શાળા જ સલામત ન હોય તો ત્રણ-ચાર વર્ષની બાળકીઓ થી શું થઈ શકે ?

લોકાના રોષનો જવાળામુખી ન ફાટે ત્યાં સુધી સરકારી તંત્રની સુસ્તી ખંખેરાતી નથી, આવા તો કેટલાય કેસ નોંધાતા નહિ હોય,  ભીનું  સંકેલવા પ્રયાસ થયો છે, કસુરવાર અધિકારીને અમે નહિ છોડીએ

પોક્સો હેઠળ  જાતીય  દુરાચારના ગુનાની જાણ ન કરવી તે પણ ગુનો બને છે તેમ કહી શાળા સંચાલકોની પણ ઝાટકણી, સરકારે શાળા સામે પગલાં ભરવા ખાતરી આપી

મુંબઈ :  બદલાપુરમાં નર્સરીની બે બાળકીઓ પર જાતીય અત્યાચારની ઘટનાની  સુઓ મોટો નોંધ લઈ સુનાવણી યોજતી વખતે બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં  એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ બદલ બદલાપુર પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ ઘટના અતિશય આંચકાજનક છે. બાળકીઓની સલામતી બાબતે કોઈ બાંધછોડ ચલાવી લેવાય નહીં. આમ છતાં પણ પોલીસે સમગ્ર ઘટના બહુ હળવાશથી લીધી છે. લોકોના રોષનો જવાળામુખી ન ફાટે ત્યાં સુધી સરકારી તંત્રની સુસ્તી ખંખેરાતી નથી તેવી નોંધ સાથે હાઈકોર્ટે આ કેસની પોલીસને સમયસર જાણ નહિ કરવા બદલ શાળા સંચાલકોની પણ ટીકા કરી હતી. હાઈકોર્ટે પોલીસને સમગ્ર કેસની કેસ ડાયરી  રજૂ કરવા આદેશ આપ્યો છે. 

જસ્ટિસ રેવતી મોહન ડેરે તથા જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની બેન્ચે આ કેસની સુઓ મોટો નોંધ લઈ સુનાવણી કરતી વખતે સાફ સાફ જણાવ્યું હતું કે બાળકીઓ પર જાતીય અત્યાચારની ઘટના બાબતે કોઈ બાંધછોડ થઈ શકે નહીં.  તા. ૧૨મી અને તા. ૧૩મી ઓગસ્ટે આ ઘટના બની હતી. પરંતુ તે પછી ફરિયાદ છેક તા. ૧૬મી ઓગસ્ટે દાખલ થઈ હતી. તે પછીના દિવસે આરોપીની ધરપકડ થઈ હતી એમ અદાલત સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું હતું. 

આ તબક્કે અદાલત જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઈ બાબતે લોકોનો આક્રોશ ન ભભૂકી ઉઠે ત્યાં સુધી સરકારી તંત્ર કામ કરતું નથી. 

ડિવિઝન બેન્ચે આ કેસની તપાસ કરવા  માટે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને   બદલાપુર પોલીસ દ્વારા  તૈયાર કરાયેલી આ કેસની કેસ ડાયરી, એફઆઈઆર તથા કેસ સંબંધિત અન્ય દસ્તાવેજો તા. ૨૭મી ઓગસ્ટ સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. 

ન્યાયમૂર્તિઓએ જણાવ્યુ ંહતું કે બદલાપુર પોલીસે જે  રીતે આ સમગ્ર કેસને હાથ ધર્યો છે તેનાથી તેઓ ભારે વ્યગ્ર છે. ત્રણ અને ચાર વર્ષની બાળકીઓ સાથે જાતીય દુરાચારની આટલી ગંભીર ઘટના છે. પોલીસ તેને હળવાશથી કઈ રીતે લઈ શકે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો હતો. 

જો બાળકો માટે પોતાની શાળા સલામત ન હોય તો તેઓ શું કરશે ? ત્રણ-ચાર વર્ષની બાળકીથી શું થઈ શકે , આ બહુ આંચકાજનક છે. 

હાઈકોર્ટે પીડિતા તથા તેમના પરિવારોને સંપૂર્ણ સહાય આપવા પોલીસને આદેશ કર્યો હતો. સાથે સાથે એ સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે પીડિતાને વધુ નિશાન બનાવવામાં ન આવે. 

આ કેસમાં તો આ બાળકીઓએ ફરિયાદ કરી છે પરંતુ આવા બીજા કેટલાય કેસો કદાચ નોંધાયા જ નહિ હોય એમ હાઈકોર્ટે જણાવ્યુ ંહતું. 

પોલીસે આ બાળકીઓના  પરિવારોને મદદ આપવાની જરુર હતી પણ તેવું બન્યુ નથી.  સૌ પહેલાં તો પોલીસે એફઆઈઆર દાખલ કરવી જોઈતી હતી. પરંતુ, તેમ કરાયું નથી. શાળા સત્તાવાળાઓ મૂક રહ્યા છે. આવું બને છે તેથી લોકો આ પ્રકારના ગુનાઓની જાણ કરવા આગળ આવતાં ખચકાય છે. 

પોલીસ વિભાગે તેના અધિકારીઓ તથા કર્મચારીઓને આવી ઘટનાઓ અંગે સંવેદનશીલ બનાવવા પગલાં ભરવાં જોઈએ. હાઈકોર્ટે એસઆઈટીને તેણે આ કેસમાં પીડિતાઓના પરિવારોના નિવેદનો લેવા સહિત શુ ંપગલાં ભર્યાં તેની વિગતો જણાવવા પણ કહ્યુ ંહતું. 

હાઈકોર્ટે એસઆઈટીને કહ્યું હતું કે તેના અહેવાલમાં  બદલાપુર પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં શા માટે વિલંબ થયો અને બીજી  પીડિતાનું નિવેદન કેમ ન લેવાયું તેનો ખુલાસો પણ આપવાનો રહેશે. 

બદલાપુર પોલીસે બીજી બાળકીનું નિવેદન નોંધવા બાબતે કોઈ પગલાં લીધા નથી એવું જાણીને અમને ભારે આઘાત લાગ્યો છે એમ ન્યાયમૂર્તિએ જણાવ્યુ ંહતું. 

એવું પણ જણાયું છે કે આ કેસમાં ભીનું સંકેલવા પ્રયાસ થયો છે. અમે સંબંધિત પોલીસ અધિકારી સામે આકરાં પગલાં લેતાં ખચકાઈશું નહીં. 

સરકાર પણ બાળકીઓ તથા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શું પગલાં ભરાઈ રહ્યાં છે તે જણાવે. આ બાબતે કોઈ બાંધછોડ નહિ ચાલે.  બેન્ચે એ વાતની પણ નોંધ લીધી હતી કે શાળા સત્તાવાળાઓ આ બનાવ વિશે જાણતા હતા પરંતુ તેઓ ચૂપ રહ્યા હતા અને પોલીસને જાણ કરી ન હતી. કોર્ટે એમ કહ્યુ ંહતું કે પોક્સો એક્ટ હેઠળ જાતીય હુમલાના બનાવની જાણ ન કરવી તે પણ ગુનો બને છે. 

મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ બિરેન્દ્ર  સરાફે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે શાળા સત્તાવાળાઓ સામે ગુરુવારે જ પગલાં ભરવામાં આવશે.  અદાલતે કહ્યું હતું કે કોઈને પણ છોડવા ન જોઈએ. બનાવની જાણ નહિ કરવા બદલ તમારે શાળા સામે પગલાં ભરવાં જ પડશે.  સરાફે હાઈકોર્ટને એમ પણ કહ્યું હતું કે એક પીડિતાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે જ્યારે બીજી બાળકીનું નિવેદન ગુરુવારે લેવાશે. 

વિલંબ કેમ થયો તેવા હાઈકોર્ટના સવાલ  અંગે સરાફે કહ્યું હતું કે ભૂલ કરનારા બદલાપુરના પોલીસ અધિકારીને ઓલરેડી સસ્પેન્ડ કરી દેવાયાં છે.



Google NewsGoogle News