તુનિશા આત્મહત્યા કેસમાં ગુનો રદ કરવાની શિઝાનની અરજી ફગાવાઈ
ટીવી એકટ્રેસ તુનિશાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ
આરોપીની સંડોવણી દર્શાવતા નક્કર પુરાવા : શિઝાનને મળ્યા પછી તુનિશાનું વર્તન બદલાઈ ગયું હતું તેવી પોલીસની રજૂઆત
મુંબઈ : ટીવી કલાકાર તુનિશા શર્માને આત્મહત્યા માટે પ્રેરીત કરવાના કેસમાં પકડાયેલા સહઅભિનેતા શિઝાન ખાને કેસ રદ કરવાની કરેલી અરજીને બોમ્બે હાઈ કોર્ટે રદબાતલ કરી છે.
ગયાં વર્ષની ૨૪મી ડિસેમ્બરે અલી બાબાઃ દાસ્તાને કાબુલ ટીવી શોમાં ખાન સાથે કામ કરતી ૨૧ વર્ષની તુનિશા શર્મા વસઈ નજીક સિરિયલના સેટ પર વોશરૃમમાં ગળેફાંસો ખાધેલી અવવસ્થામાં મળી હતી. તે ખાન સાથે પ્રેમમાં હતી પણ તેમના સંબંધ તૂટી ગયા હતા. વળીવ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર શિઝાન ખાનની ધરપકડ કરી હતી.
શિઝાને વકિલ મારફત દલીલ કરી હતી કે પ્રેમ સંબંધ ધરાવવો અને બ્રેક અપ થવું એ જીવનની સામાન્ય બાબત છે અને જો બે વ્યક્તિ આવા સંબંધ તોડી નાખે તો તેવામાં એક વ્યક્તિ આત્મહત્યા કરી લે તો અન્ય વ્યક્તિ સામે ગુનો નોંધીને તેની ધરપકડ અને કસ્ટડીમાં ધકેલવાની કાર્યવાહી યોગ્ય ગણી શકાય નહીં.
શિઝાન ખાનના વકિલે વધુમાં જણાવ્યું હતું કે શર્માને આત્મહત્યા કરવા ફરજ પાડી હોય તેવું ચોક્કસ ગુનાહિતી ઈરાદા સાથે કોઈ કૃત્ય ખાને કર્યું હોવાનું દર્શાવતું કંઈ જ નથી.
બંને જણ ભિન્ન ધર્મના હોવાથી અને અભિનેતા હોવાથી મીડિયા પર વધુ ચલાવાયું છે. ખાને જણાવ્યું હતું કે તેના શુભચિંતક નહોય એવા લોકોએ મીડિયામાં અનેક ખોટી માહિતી રેલાવી છે.
પોલીસે શિઝાન ખાનની અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતુંં કે ખાન રૃમમાં ગયો એ પહેલાં તુનિશા શર્માનું વર્તન સામાન્ય હતું અને તે રૃમમાંથી બહાર આવ્યા બાદ તુનિશા શર્મા બહુ વ્યથિત હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાયું છે.
પોલીસે જણાવ્યું હતું કે ખાનની સંડોવણી હોવાના નક્કર પુરાવા છે અને પુરાવાને બળ આપવા સિઝાન ખાન અને તુનિશા શર્માના ફોન પણ તેમણે જપ્ત કર્યા છે.
કેસમાં જામીન પર મુક્તિ માટે સિંગલ જજ બેન્ચ સમક્ષ અરજી પણ કરી છે. ૨૦ ફેબુ્રઆરીએ તેણે અરજી પાછી ખેંચીને સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ માગી હતી કેમ કે કેસમાં આરોપનામું દાખલ કરી દેવાયું હતું.
હાઈ કોર્ટે જામીન અરજીનો નિકાલ કરીને સ્પષ્ટ કર્યું હતું કે સેશન્સ કોર્ટ પોતાની રીતે અરજી પર નિર્ણય આપી શકે છે. નીચલી કોર્ટે માર્ચમાં તેને જામીન આપ્યા હતા.