શિંદેના સ્ટાર પ્રચારક અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી
પગમાં ગોળી લાગેલી જગ્યાએ દુખાવો થતાં અસ્વસ્થતા લાગી
જળગાંવનો રોડ શો પડતો મૂકીને મુંબઈ ભણી રવાના
મુંબઈ: આગામી વિધાનસબા ચૂંટણીંમાં સ્ટાર પ્રચારક બનેલા બોલીવુડ અભિનેતા ગોવિંદાની તબિયત પ્રચાર દરમ્યાન બગડી હોવાના સમાચાર મળ્યા છે. ગોવિંદાની તબિયત અચાનક ખરાબ થતાં તેણે પ્રચાર પડતો મૂકવો પડયો હતો. મહાયુતિના સ્ટાર પ્રચારક અભિનેતા ગોવિંદા જળગાંવમાં પ્રચાર કરતાં તબિયત લથડી હતી. ગોવિંદાને થોડા દિવસો પહેલાં પગમાં ગોળી લાગી હતી. આથી તેના પગમાં ફરી દુખાવો ઉપડયો હતો અને અસ્વસ્થતા લાગી હતી. આથી પ્રચાર પડતો મૂક્યો હતો. હાલ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હોવાથી તે મહાયુતિના પ્રચારમાં વ્યસ્ત છે.
ગોવિંદા શનિવારે જળગાંવ જિલ્લાના પ્રવાસે હતો. પાચોરા ખાતે ગોવિંદાને ગોળી લાગેલી જગ્યાએ પગમાં દુખાવો થયો હતો. પગમાં દુખાવા સાથે છાતીમાં પણ અસ્વસ્થતા જણાતાં તેણે રોડ શો પડતો મૂકીને મુંબઈ તરફ પાછા ફરવાનું પસંદ કર્યું હોવાની માહિતી મળી છે.
ગોવિંદા પાચોરા ખાતે પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરીને રોડ શો શરૂ કરાયો હતો. ત્યાર બાદ થોડા સમયમાં જ તેને અસ્વસ્થતા લાગી હતી.