શિંદેની શિવસેના જ અસલી, પક્ષપ્રમુખ તરીકે તેમને હાંકી કાઢવાનો ઉદ્ધવને અધિકાર નહીં: સ્પીકર
- મહારાષ્ટ્રમાં દળી દળીને ઢાંકણીમાં, શિંદે સરકાર ફરી બચી ગઈ
- ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ પછી હવે સ્પીકરના ફેસલામાં પણ શિંદે સરકારને જીવતદાન મળ્યું, શિવસેનાનું સુધારાયેલું બંધારણ માન્ય નહીં
- સ્પીકરે શિંદે સહિત તેમની શિવસેનાના ૧૬ ધારાસભ્યો ઉપરાંત ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને પણ અપાત્ર ન ઠેરવ્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત તેમની શિવસેનાના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી રાજ્યના સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દેતાં શિંદે સરકારને ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વધુ એક વખત જીવતદાન મળ્યું છે. જોકે, દળી દળીને ઢાંકણીમાં જેવા ચુકાદામાં સ્પીકર રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથના કોઈ ધારાસભ્યને પણ ગેરલાયક ઠેરવ્યા ન હતા. સ્પીકરે ઠેરવ્યું હતું કે એકનાથ શિંદેના વડપણ હેઠળની જ શિવસેના અસલી શિવસેના છે અને શિવસેનાનું સુધારાયેલું બંધારણ માન્ય ન હોવાથી પક્ષપ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેની હકાલપટ્ટીનો કોઈ હક્ક હતો જ નહીં. તેમણે એમ પણ ઠેરવ્યું છે કે શિંદેની શિવસેના પાસે બહુમતી હોવાથી તેમના વ્હિપ જ શિવસેનાના કાયદેસરના વ્હિપ ગણાય અને તેથી ઉદ્ધવ જૂથ દ્વારા નિયુક્ત દંડકના વ્હિપનો અનાદર કરવા બદલ શિંદે જૂથના ધારાસભ્યોને અપાત્ર ઠેરવી શકાય નહીં. રાજ્યમાં ગત દોઢ વર્ષથી શરુ થયેલાં રાજકીય નાટકમાં એક નવા વળાંક રુપે આવેલા આ ચુકાદાને ઉદ્ધવ જૂથે લોકશાહીની હત્યા ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. આથી, આ પ્રકરણમાં હજુ કાનૂની લડાઈ આગળ ધપશે તે નિશ્ચિત બની ગયું છે.
મહારાષ્ટ્રમાં ગત જૂનમાં થયેલાં સત્તા પરિવર્તન વખતે હાલના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત તેમના સમર્થક ૧૬ ધારાસભ્યોએ પક્ષના વ્હિપ સુનિલ પ્રભુએ આપેલા વ્હિપનો ભંગ કર્યો હોવાથી તેમને પક્ષાંતર વિરોધી ધારા પ્રમાણે ગેરલાયક ઠેરવવા જોઈએ તેવી માગણી સાથેની અરજી સુપ્રીમ કોર્ટે કરી હતી. જોકે, તેની સામે એકનાથ શિંદે ગૂ્રપે વાસ્તવમાં તેમનો પક્ષ જ અસલી શિવસેના હોવાથી તેમના દંડક ભરત ગોગાવલેએ આપેલા વ્હિપનો ઉદ્ધવ જૂથના ધારાસભ્યોએ ભંગ કર્યો છે તેથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ તેવી અરજી કરી હતી. બંને જૂથના ૫૪ ધારાસભ્યો સામે કુલ ૩૪ અરજીઓ થઈ હતી. સ્પીકરે જુદાં જુદા ંછ જૂથમાં આ અરજીઓ વહેંચ્યા બાદ તેની વારાફરતી સુનાવણી યોજ્યા પછી આજે સાંજે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો.
સ્પીકરે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે શિવસેનાના ૧૯૯૯ના બંધારણ અનુસાર પક્ષપ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિદેને વિધાનસભા દળના વડા તરીકે બદલવાનો કોઈ અધિકાર ન હતો. પક્ષપ્રમુખની ઈચ્છા તથા પક્ષની મરજી એ બે એક જ બાબત નથી એમ સ્પીકરે ઠેરવ્યું હતું.
ઉદ્ધવ જૂથે ૨૦૧૮માં થયેલા બંધારણીય સુધારાને ટાંક્યો હતો પરંતુ સ્પીકરે તે માનવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આ સુધારાને ચૂંટણી પંચ દ્વારા કાયદેસર ઠેરવાયો હોય તેવું જણાવતા કોઈ પુરાવા નથી. ૧૯૯૯ના શિવસેનાના બંધારણ અનુસાર પક્ષની કાર્યકારિણી સર્વોચ્ચ છે જ્યારે ૨૦૧૮માં પક્ષના પ્રમુખને સર્વોચ્ચ નિર્ણય કર્તા જાહેર કરાયા હતા. શિંદેને હાંકી કાઢવાનો નિર્ણય ૧૯૯૯ના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત ઠેરવાયેલાં બંધારણ પ્રમાણે કાર્યકારિણીએ લીધો ન હતો અને તેથી તને માન્ ગણવાનો સ્પીકરે ઈનકાર કરી દીધો હતો.
ેે સ્પીકરે કહ્યું હતું કે એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના જ અસલી શિવસેના છે તેવું ચૂંટણી પંચ પણ જણાવી ચૂક્યું છે. આ સંજોગોમાં વિધાનસભા દળના નેતા તરીકે થયેલી એકનાથ શિંદેની નિયુક્તિ તથા તેમના સ્પીકર તરીકે થયેલી ભરત ગોગાવલેની નિયુક્તિ પણ કાયદેસર છે. ઉદ્ધવ જૂથ દ્વારા નિયુક્ત સુનિલ પ્રભુ તા. ૨૧મી જૂને શિવસેનામાં ભાગલા થયા તે પછી લઘુમતીમાં મુકાયેલા જૂથના વ્હિપ બની ગયા હતા અને તેથી તેમના દ્વારા જારી થયેલો વ્હિપ બહુમતી ધરાવતી એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના માટે બંધનકર્તા નથી અને તેથી તેના આધારે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવી શકાય નહીં.
બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથે એવો પ્રત્યાઘાત આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટે સ્પીકરને ધારાસભ્યોની અપાત્રતા અંગે નિર્ણય કરવાનું કહ્યુ ંહતું, તે મૂળ મુદ્દો તો તેમણે કોરાણે જ મુકી દીધો છે. આ ચુકાદો લોકશાહીની હત્યા સમાન છે અને તેઓ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
એનસીપીના નેતા શરદ પવારે ચુકાદા અંગે પ્રત્યાઘાત આપતાં કહ્યું હતં કે સ્પીકરે પક્ષનાં સંગઠન કરતાં સંસદીય દળને સર્વોપરી ગણ્યું છે. આ ચુકાદા સામે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવું જ જોઈએ.
આ ચુકાદાને પગલે શિંદે સરકારનાં અસ્તિત્વ સામેનું વધુ એક સંકટ ટળી ગયું છે.