Get The App

સીએમ પદ માટે મોદી-શાહનો ફેંસલો માન્ય રાખવાની શિંદે સેનાની જાહેરાત

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
સીએમ પદ માટે મોદી-શાહનો ફેંસલો માન્ય રાખવાની શિંદે સેનાની જાહેરાત 1 - image


- શિંદેએ સીએમ તરીકે ઔપચારિક રાજીનામું આપ્યું, કેરટેકર સીએમ તરીકે ચાલુ રહેશે

- રાજ્યસભરમાંથી ઉમટી રહેલા કાર્યકરોને મુંબઈ નહિ આવવા શિંદે સેનાની અપીલ: ફડણવીસને સીએમ બનાવવા નિર્ણય થઈ ચૂક્યો હોવાનો  કેન્દ્રીય મંત્રી આઠવલેનો દાવો

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી છતાં પણ મુખ્યપ્રધાન પદ માટે હુંસાતુંસી વચ્ચે આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે ઔપચારિક રાજીનામું આપી દીધા બાદ રાજ્યપાલે તેમને નવા સીએમ શપથ ન લે ત્યાં સુધી રખેવાળ સીએમ તરીકે ચાલુ રહેવા જણાવ્યુ હતું. બીજી તરફ શિંદે સેનાએ  સંકેત આપ્યો હતો કે મુખ્યપ્રધાન પદ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે પણ નિર્ણય લે તેને અમે માન્ય કરશું.  રાજ્યની વિધાનસભાની આજે મુદ્દત પૂર્ણ થઈ હતી પરંતુ હજુ પણ સરકારની રચના થઈ નથી. 

શિંદેએ  પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પછી સીએમ તરીકે ઔપચારિક રાજીનામું આપ્યું છે. આથી તેઓ શું હવે સીએમ પદની રેસમાંથી ખસી રહ્યા છે કે કેમ તેવા પણ સાવો  સર્જાયા છે. 

ગત શનિવારે જાહેર થયેલાં પરિણામોમાં   મહાયુતિને ૨૮૮માંથી ૨૩૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે.  ભાજપને એકલાને જ ૧૩૨ સીટ મળી છે. ભાજપ દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવા ઈચ્છે છે પરંતુ એકનાથ શિંદેએ આ પદ જાળવી રાખવા જીદ પકડતાં કોકડું ગૂંચવાયું છે.     

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે ભાજપ નેતૃત્વએ દેવેન્દ્ર ફડણવીસને ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય  કરી લીધો છે. જોકે, તેમના આ દાવાને  ભાજપ તરફથી કોઈ સમર્થન અપાયું નથી. 

શિંદે અને ફડણવીસ મંગળવારે વહેલી સવારે મુંબઈ પોલીસ કમિશનરની આફિસમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા  સાથે હાજર રહ્યા હતા  પરંતુ  તેમણે કોઈ એક પણ શબ્દની આપ લે કરી ન હતી. 

જોેકે, આજે શિંદે, ફડણવીસ તથા અજિત પવાર સાથે જ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા. જ્યાં શિંદેએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું સુપરત કર્યું હતું. 

વિદાય લઈ રહેલી સરકારના મંત્રી દીપક કેસરકરે કહ્યું હતું કે શિવસેના કાર્યકરોની ઈચ્છા એવી છે કે શિંદે જ સીએમ તરીકે યથાવત રહે. છતાં આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડના નિર્ણયને અમે શિરોમાન્ય કરશું.

દરમિયાન રાજ્યભરમાંથી શિંદે સેનાના કાર્યકરો શિંદેને મળવા માટે મુંબઈ તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે આવી રહ્યા છે. આજે શિંદે સેનાએ કાર્યકરોને અહીં ઉમટી નહિ પડવા અપીલ કરી હતી. 


Google NewsGoogle News