શિલ્પા શેટ્ટીની બેસ્ટિયન રેસ્ટોરાંના ગ્રાહકની 80 લાખની બીએમડબલ્યૂ ચોરાઈ
પાર્ક કર્યાની બે મિનિટમાં જ હાઈટેક હેકિંગ સાથે અનલોક કરી ચોરી
દાદરની કોહિનૂર સ્કવેર બિલ્ડિંગના 48મા માળે આવેલી રેસ્ટોરાંમાં જવા વેલે પાર્કિંગમાં કાર આપી હતી, જીપ લઈને ચોરી કરવા આવ્યા
મુંબઇ : દાદરના પ્રખ્યાત કોહિનૂર સ્કવેર બિલ્ડિંગમાં શિલ્પા શેટ્ટીની બેસ્ટિયન રેસ્ટોરાંમાં જમવા આવેલા બાંદરાના બિલ્ડરની વૈભવી બીએમડબલ્યૂ કાર ગણતરીની મિનિટોમાં જ ઈન્ટેલિજન્ટ હેકિંગ દ્વારા અનલોક કરી ચોરી કરી જવાતાં ખળભળાટ મચી ગયો છે. શિલ્પા શેટ્ટીની આ રેસ્ટોરાંમાં મોટાભાગે બોલીવૂડ સેલિબ્રિટીઓ સહિત ધનાઢયો આવતા હોય છે અને તેઓ તેમની મોંઘીદાટ વૈભવી કારો અહીં પાર્ક કરતા હોય છે. તસ્કરો જીપમાં આવ્યા હતા અને વેલે સર્વિસ દ્વારા પાર્ક કરાયેલી કાર ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી છે.
વ્યવસાયે બિલ્ડર ફરિયાદી રુહાન ફિરોઝ ખાને બીએમડબલ્યૂ ઝેડ ફોર કાર પાર્કિંગ એટેન્ડન્ટેને પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવા આપી હતી પણ બે અજાણ્યા શખ્સો આ કાર લઇને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ વૈભવી કારની કિંમત ૮૦ લાખ હોવાનું કહેવાય છે.
પોલીસ ફરિયાદ અનુસાર રુહાન તથા તેના મિત્રો ૨૭ ઓક્ટોબરના રાતના બે વાગ્યા આસપાસ દાદરના કોહિનૂર સ્કવેર બિલ્ડીંગના ૪૮માં માળે આવેલ બેસ્ટિયન રેસ્ટોરામાં આવ્યા હતા.કારની ચાવી વેલે પાર્કિંગના પાર્કિંગ એટેન્ડન્ટને આપી કાર પાર્ક કરવા જણાવ્યું હતું. પરોઢે ચાર વાગ્યે રેસ્ટોરાં બંધ થયા પછી તેણે એટેન્ડન્ટને કાર લાવવા જણાવ્યું હતું. જો કે તે ઘણા સમય સુધી પાછો ફર્યો ન હતો. રુહાન ખાને પૂછપરછ કરતાં એટેન્ડન્ટે કહ્યું હતું કે કાર પાર્ક કરાયેલી જગ્યા પર નથી. સીસીટીવી ચેક કરતાં જણાયુ ંહતું કે કાર પાર્ક થઈ તેની બે જ મિનીટમાં બે અજાણ્યા શખ્સો જીપ દ્વારા આવ્યા હતા અને ઈન્ટેલિજન્ટ હેકિંગ દ્વારા કાર અનલોક કરી ચાલુ કરી લઈ ગયા હતા. રુહાનની ફરિયાદના આધારે શિવાજી પાર્ક પોલીસ મથકમાં બીએનએલ કાયદાની કલમ ૩૦૩ (૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ રુહાને રેસ્ટોરાંની પાર્કિંગ સિસ્ટમની સલામતી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે આ મામલે પોતે કાનૂની કાર્યવાહી કરશે તેવી ચિમકી પણ આપી હતી.