શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાએ તત્કાળ ઘર ખાલી નહિ કરવું પડેઃ કોર્ટે રાહત આપી
બિટકોઈન ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગ કેેસમાં ઈડીએ નોટિસ આપી છે
દિલ્હીની પીએમએલએ એપલેટ ઓથોરિટી નો ચુકાદો આવે ત્યાં સુધી નોટિસનો અમલ નહીં કરવા ઈડીને આદેશ
મુંબઈ : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને બોમ્બેહાઈ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. મની લોન્ડરિંગ કેસ સંબંધે પુણેના ફાર્મહાઉસ અને જુહુમાં આવેલા તેમના ઘરને ખાલી કરવાનો નિર્દેશ આપતી ઈડીની નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કોર્ટે તેમને વચગાળાનું રક્ષણ આપ્યુ છે.ર્કોર્ટે જણાવ્યું હતું કે પીએમએલએ એપલેટ ટ્રિબયુનલ સમક્ષ તેમની અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી વચગાળાનું રક્ષણ રહેશે. ઈડીએ હાલ પુરતી નોટિસ લાગુ નહીં કરવાની સંમતિ આપ્યા બાદ ઉક્ત નિર્દેશ અપાયો હતો.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે દંપતીની ઈડીની કાર્યવાહી પર સ્ટેની અરજી માન્ય કરીને સ્પષ્ટતા કરી હતી કે પીએમએલએ ટ્રિબ્યુનલે ૧૮ સપ્ટેમ્બરે આપેલા આદેશ સામેની તેમની અપીલ પર દિલ્હીની એપલેટ ઓથોરિટી નિર્ણય લે નહીં ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં આવે નહીં.
વધુમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે દંપતી વિરુદ્ધ આદેશ આપે તો પણ પછીના બે સપ્તાહ સુધી તેને લાગુ કરવામાં આવશે નહીં. બિટકોઈન ફ્રોડના આરોપ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ શેટ્ટી અને કુંદ્રાને ૨૭ સપ્ટેમ્બરે બંને મિલકત દસદિવસમાં ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નોટિસને તેમણે પડકારી હતી.
શિલ્પાના વકીલે જણાવ્યુ ંહતું કે તેમને ત્રીજી ઓક્ટોબરે નોટિસ પ્રાપ્ત થઈ છે. નોટિસ જોહુકમી અને ગેરકાયદે હોવાનું જણાવીને રદ કરવાની દાદ માગી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર તેમને મકાન ખાલી કરાવવાની કોઈ તાકીદની સ્થિતિ નથી અને આ રીતની નોટિસ અનુચિત છે. અરજદારોએ માનવતાના ધોરણે પણ રાહત માગી છે કેમ કે નોટિસમાં જણાવેલા ઘરમાં તેઓ પરિવારના છ સભ્યો બે દાયકાથી રહે છે. અરજીમાં નોટિસના અમલ પર મનાઈ હુકમ આપવાની પણ દાદ માગી હતી.
અરજીમાં જણાવ્યા અનુસાર ઈડીએ ૨૦૧૮માં અમિત ભારદ્વાજ અને અન્યો સામે કથિત બિટકોઈન ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપસર ફરિયાદ નોંધી હતી. આ કેસમાં તેમને આરોપી તરીકે દર્શાવાયાં પણ નથી.
ઈડીએ કુંદ્રાને અનેક વાર પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા અને કુંદ્રાએ દરેક વખતે હાજરી આપી હોવાનું અરજીમાં જણાવાયું હતું.
એપ્રિલ ૨૦૨૪માં શેટ્ટી અને કુંદ્રાને ઈડીએ આપેલા આદેશ પર નોટિસ મળી હતી જેમાં કુંદ્રાના પિતાએ ૨૦૦૯માં ખરીદેલા જુહુના નિવાસસ્થાન સહિતની મિલકતને ટાંચમાં લેવાનું જણાવાયું હતું. બંને જણે નોટિસનો જવાબ આપ્યો હતો. જોકે કાયદાથી વિપરીત ઓથોરિટીએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના ટાંચમાં લેવાના આદેશને કાયમ રાખ્યો હતો. આદેશમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ટાંચ માત્ર કેસ પૂરો થાય ત્યાં સુધી રહેશે અને તેના પરિણામને આધીન રહેશે. અરજદારોને ત્રીજી ઓક્ટોબરે ૨૭ સપ્ટેમ્બરની બે નોટિસ મળી હતી જેમાં તેમને બંને મિલકત ખાલી કરવાનો નિર્દેશ અપાયો હતો. કસૂરવાર ઠેરવવા પૂર્વે મિલકત ખાલી કરવાનો કોઈ આદેશ કે નોટિસ આપી શકાય નહીં, એમ અરજીમાં જણાવાયું હતું.