શરીફૂલને સૈફના ફલેટમાં લઈ જઈ હુમલાનો સીન રિક્રિએટ કરાશે
રિમાન્ડ મળતાં પોલીસે તપાસ શરુ કરી
હુમલાખોર સૈફના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો હતો તે સહિતની વિગતો મળશે
મુંબઇ - બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના બાંદરાના ઘરમાં ઘૂસી અભિનેતા પર હુમલો કરવાના મામલામાં મુંબઇ પોલીસ ક્રાઇમ સીન રિક્રિએટ કરવાની છે. આરોપીને ઘટનાસ્થળે લઇ જઇ તેણે કરેલા ગુનાની ચોક્કસ વિગતો મેળવવામાં આવશે.
હાઇપ્રોફાઇલ કેસના આરોપી શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ તેમની તપાસના ભાગરૃપે ગુનાના દ્રશ્યને રિક્રિએટ કરશે અને આ પાંચ દિવસ દરમિયાન શેહઝાદને બાંદરામાં 'સતગુરુ શરણ' બિલ્ડીંગમાં ખાનના ઘરે લઇ જશે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી શરીફુલ ચોરીના ઇરાદે બોલીવુડ સ્ટારના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો. તે બિલ્ડીંગના સાત-આઠમાં માળ સુધી ચઢીને ગયો હતો. પછી ડકટ એરિયામાં પ્રવેશીને પાઇપનો ઉપયોગ કરીને ૧૨મા માળે ચઢીને બાથરૃમની બારીમાંથી સૈફના ફ્લેટમાં ઘૂસ્યો હતો. બાથરૃમમાંથી બહાર આવ્યો ત્યારે સ્ટાફે તેને જોયોહતો બાદમાં ઝપાઝપી થતા અભિનેતા સૈફ ગંભીરપણે જખમી થયો હતો.