શેર-એ-ઓટોમાં માત્ર મહિલાઓ માટે આગવી લાઈન શરુ થશે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
શેર-એ-ઓટોમાં માત્ર મહિલાઓ માટે આગવી લાઈન શરુ થશે 1 - image


ગોરેગાંવ, કાંજુરમાર્ગ, વિક્રોલી, મલાડથી શરુઆત થશે

મહિલાઓની સુવિધા - સુરક્ષા માટે આવા સ્ટેન્ડ્સ પરથી માત્ર મહિલા પ્રવાસીઓને જ રીક્ષામાં પ્રવેશ અપાશે

મુંબઈ :  મુંબઈની ઓટોરીક્ષા યુનિયન એવું જાહેર કર્યું છે કે શહેરમાં રેલવે સ્ટેશનની બહાર, હાઉસિંગ કોલોનીઓ તથા પરાંની વિવિધ ઓફિસો આગળ જ્યાં શેર-એ-ઓટોરીક્ષાના સ્ટેન્ડ છે, ત્યાં મહિલાઓ માટે ખાસ જુદી લાઈન હશે. પ્રાયોગિક ધોરણે પ્રથમ તબક્કે ગોરેગાંવ, કાંજુરમાર્ગ, વિક્રોલી અને મલાડ સ્ટેશને આ પ્રકારની સુવિધા કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈના રીક્ષાચાલકો 'હૅશટેગ ફોર હર' ઝુંબેશ હેઠળ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ  પ્રયોગ કરી રહ્યાં છે. જ્યાં શેર-એ-ઓટોના સ્ટેન્ડ પર મહિલાઓ માટે આગવી લાઈન હશે અને તે સ્ટેન્ડ પરથી જતી રીક્ષાઓમાં માત્ર મહિલા પ્રવાસીઓને જ બેસવા દેવાશે. તેમાં પુરુષ પ્રવાસીને ચડવા દેવાશે નહીં. શક્ય હશે તો આ રીક્ષાઓમાં રીક્ષાચાલક પણ મહિલા જ હશે.

યુનિયનના અધિકારીઓએ ટ્રાફિક પોલીસના અધિકારીઓની મુલાકાત લીધી છે અને તેમને આ બાબતે ટ્રાફિક વિભાગના પોલીસ કમિશ્નરનો પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાયું છે. દરમ્યાન આ સુવિધા કરતી વેળાએ વિવિધ જાહેર સ્થળોએ મહિલાઓની વિશેષ લાઈનથી ટ્રાફિકની સમસ્યા તે રસ્તા પર સંકડાશ નિર્માણ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે, તેમાં ટ્રાફિક પોલીસની મદદ લેવાશે. 

ઉપરાંત રીક્ષામાં જો મહિલા અને પુરુષ એમ બંને પ્રવાસીઓ હોય ત્યારે તથા મહિલા પ્રવાસી એકલી હોય ત્યારે ડ્રાઈવર તરફથી મહિલાઓ સાથે કોઈ અણછાજતી ઘટના ન બને તે માટે તમામ રીક્ષાચાલકોને તાલીમ આપવામાં આવવાની હોવાનું પણ જાણવા મળ્યું છે. વળી થોડા સમયમાં મુંબઈની તમામ રીક્ષાઓમાં ડ્રાઈવરની સીટ પાછળ હેલ્પલાઈન નંબર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલાંનું ટ્વિટર) પર રીક્ષાવાળાઓની યુનિયનના એકાઉન્ટની માહિતી હશે. જેથી પ્રવાસીઓ ત્યાં મહિલા સુરક્ષા ઉપરાંતના અન્ય ફરિયાદ અને સૂચનો કરી શકે.



Google NewsGoogle News