મહારાષ્ટ્રમાં શરદ પવારનાં દગાખોરીના રાજકારણનો હવે અંતઃ અમિત શાહ
શરદ પવાર અને ઉદ્ધવને મહારાષ્ટ્રએ સ્થાન દેખાડી દીધું
શરદ પવાર ઈન્ડિયા ગઠબંધન છોડવાના હોવાની અટકળો વચ્ચે શિરડીમાં ભાજપના અધિવેશનમાં અમિત શાહનાં આકરાં ઉચ્ચારણો
શિર્ડીમાં આયોજિત ભાજપના અધિવેશનમાં સંબોધન કરતા ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે રાજકારણના અઠંગ ખેલાડી મનાતા પવાર મહારાષ્ટ્રમાં ૧૯૭૮થી અત્યાર સુધી વિશ્વાસઘાત અને દગલખોરીની જ રાજરમત રમતા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના સૂપડાં સાફ થઇ જવાને લીધે 'પવાર-પોલિટિક્સ' પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
શાહે કહ્યું હતું મહારાષ્ટ્રની જનતાએ વિધાનસભાના ચૂંટણીમાં વંશવાદી અને વિશ્વાસઘાતના રાજકારણને જાકારો આપીને એનસીપી (એસ.પી.)ના વડા શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે જેવાં નેતાઓને તેમનું સ્થાન દેખાડી દીધું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ વિધાનસભાની ૨૦૨૪માં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૨૮૮ બેઠકોમાંથી ૨૩૦ બેઠકો ભાજપ, એનસીપી અને શિવસેનાની મહાયુતીએ જીતી હતી. જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીને માત્ર ૪૬ બેઠક મળી હતી.
ભાજપના કાર્યકરોને ચૂંટણીમાં ઝળહળતા વિજયના ખરા શિલ્પકાર તરીકે બીરદાવતા તેમણે કહ્યું હતું કે પંચાયતથી લઇને પાર્લમેન્ટ સુધી પક્ષની વિજયપતાકા લહેરાવવામાં આ કાર્યકરોએ બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે કાર્યકરોને મહિલાઓ અને કિસાનોને મોટી સંખ્યામાં પક્ષમાં સામેલ કરીને પાયો મજબૂત કરવાની હાકલ કરી છે.
રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ઝડપથી ભંગાણની શરૂઆત થઇ ગઇ છે. એવું જણાવતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષોએ જે પ્રચંડ વિજય હાંસલ કર્યો તેને પગલે ૧૨ પક્ષોના ગઠબંધન સાથેના 'ઇન્ડિયા ગુ્રપનો આત્મવિશ્વાસ ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો. એટલે જ ભંગાણની શરૂઆત થઇ ગઇ છે.
મહારાષ્ટ્રની વાત કરતા તેમણે કહ્યું હતું કે શિવસેના (ઉદ્ધવ જૂથ) એ પાલિકાની ચૂંટણીઓ સ્વબળે લડયાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડશે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ વિપક્ષોની સ્થિતિ સારી નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો જ વિજય થશે.