સ્ટેટ કો.ઓપ બેન્ક કૌભાંડમાં શરદ પવારના પૌત્ર રોહિત ઈડી સમક્ષ હાજર

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સ્ટેટ કો.ઓપ બેન્ક કૌભાંડમાં શરદ પવારના પૌત્ર રોહિત ઈડી સમક્ષ હાજર 1 - image


સુપ્રિયા સહિત એનસીપીના કાર્યકરો પણ ઈડી ઓફિસે ઉપસ્થિત

પૂછપરછ પહેલાં રોહિતને શરદ પવારે વાય બી ચવ્હાણનું પુસ્તક, સુપ્રિયાએ બંધારણની નકલ ભેટ આપ્યાઃ એનસીપી કાર્યકરોના સૂત્રોચ્ચાર

મુંબઇ :  એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય અને પાર્ટીના વડા શરદપવારના પૌત્ર રોહિત પવાર મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક (એમએસસીબી) કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં પૂછપરછ માટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા હતા. 

રોહિત પવાર પાર્ટીના કાર્યકારી અધ્યક્ષા સુપ્રિયા સુળે અને કેટલાક સહયોગીઓ સાથે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઇ સ્થિત ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઇડીએ આ કેસમાં પૂછપરછ માટે રોહિત પવારને સમન્સ પાઠવ્યું હતું અને ૨૨થી ૨૪ જાન્યુઆરી વચ્ચે હાજર રહેવા કહ્યું હતું.

બારામતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ (બેએપીએલ)જે રોહિત પવારની આગેવાની હેઠળની પેઢી અને અન્ય બે કંપનીઓ ૨૦૧૨માં ઔરંગાબાદ સ્થિત એક માંદી સુગર મિલની કથિત હરાજી અને બેંકના ભંડોળના શંકાસ્પદ ડાયવર્ઝન સંબંધિત કેસમાં ઇડીના સ્કેનર હેઠળ છે. આ બાબતે ઇડીના સૂત્રોનુસાર બારામતી એગ્રો પર આરોપ છે કે તેણે હરાજીમાં ભાગ લેવા માટે રૃા. પાંચ કરોડની અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમિટ કરવાની જરૃરિયાત પાલન કરવા માટે એક આરોપી સહ- બિડરને ભંડોળ પૂરું પાડયું હતું. રોહિત પવાર  કર્જત-જામખેડ વિસ્તારના ધારાસભ્ય છે તેઓ હાલમાં બારામતી એગ્રોના સીઇઓ છે.

ઇડીની ઓફિસમાં પ્રવેશતા પહેલા રોહિત પવારે જણાવ્યું હતું કે હું કોઇ પૂછપરછથી ડરતો નથી અને તેથી ઇડીની પૂછપરછ માટે હાજર થયો છું. આ સમયે ત્યા ંહાજર સુપ્રિયા સૂળેએ જણાવ્યું હતું કે  ઈડીના ૯૫ ટકા કેસો  વિરોધ પક્ષ સાથે જોડાયેલા નેતાઓ સામે થઈ રહ્યા છે. રોહિત પવારની પૂછપરછ થવાની હોવાથી એનસીપીના કાર્યકરો મોટી સખ્યામાં ટેકો આપવા દક્ષિણ મુંબઇમાં આવેલ એનસીપીની મુંબઇ ઓફિસ બહાર એકઠા થયા હતા. શરદ પવાર પણ રોહિતને પાર્ટીની ઓફિસમાં મળ્યા હતા અને તેમણે મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી અને શરદપવારના ગુરુ મનાતા વાયબી ચવ્હાણ લિખિત પુસ્તક ભેટ આપ્યું હતું. જ્યારે શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળેએ રોહિત પવારને  બંધારણની કોપી ભેટ આપી હતી.



Google NewsGoogle News