અજિત પવાર સાથે ફરી જોડાવાની શક્યતા શરદ પવારે નકારી
પક્ષને છોડનારા ગદ્દારો સાથે ફરી સમાધાન નહિ
વડાપ્રધાન મોદી સામાજિક ભાગલાને ઉત્તેજન આપી રહ્યા છે, યોગી આદિત્યનાથનાં સૂત્રો બહુ જોખમી
શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના ચૂંટણી ભાષણો દ્વારા સામાજિક વિભાજનને ઉત્તેજન આપવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (મવિઆ)માં મહત્વના નેતા રહેલા શરદ પવારે સત્તારૂઢ ગઠબંધનની લોકસભામાં નબળા પ્રદર્શન પછી મતદારોને રીઝવવા રોકડ ટ્રાન્સફર યોજનાઓ સહિત મહત્વના આર્થિક સંસાધનોનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી હતી. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો અને યુવા સહિત સામાન્ય જનતાનો અસંતોષ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મહાવિકાસ આઘાડી માટે મતોમાં પરિવર્તિત થશે.
એક મુલાકાતમાં પવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના સ્લોગનો રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક હોવાની ટીકા કરી હતી. વિપક્ષો સમાજમાં વિભાજન કરી રહ્યા છે એવા મોદીના આરોપો પણ પવારે ફગાવ્યા હતા અને જણાવ્યું કે મોદીના ભાષણોમાં તેમની જ વિભાજનકારી વ્યૂહરચનાનું પ્રતિબિંબ પડે છે.
૨૦૨૩માં તેમનાથી અલગ થઈને ભાજપ સાથે જોડાયેલા પોતાના ભત્રીજા અજિત પવાર સાથે ફરી એક થવાની શક્યતા તેમણે નકારી દીધી હતી. પક્ષ છોડનારાને ગદ્દાર તરીકે સંબોધીને પવારે જણાવ્યું કે તેમનું સમગ્ર ધ્યાન હવે મહાવિકાસ આઘાડીને મજબૂત કરવા પર તેમજ તેમના ગઢ ગણાતા પશ્ચિમ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સ્થાન વધુ દ્રઢ કરવા પર રહેશે. દરમ્યાન અજિત પવારે પણ આવી જ રીતે શરદ પવાર સાથે સમાધાનની કોઈપણ શક્યતા નકારી કાઢી હતી. જો કે તેમના જ પક્ષના અનેક નેતાઓએ ચૂંટણી પછી શરદ પવાર સાથે જોડાણ શક્ય હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
શરદ પવારે દલીલ કરી કે લાડકી બહિન રોકડ સ્કીમ જેવી પહેલો સાબિત કરે છે કે સત્તાધારી ગઠબંધન જનતાનો અસંતોષ ખાળવા હવાતિયા મારે છે. પવારે આશા વ્યક્ત કરી કે ખાસ કરીને મહિલા સહિતના મતદારો ટૂંકી મદ્દતના નાણાંકીય લાભના સ્થાને વ્યાપક કલ્યાણ અને સુરક્ષાને મહત્વ આપશે અને મહાવિકાસ આઘાડીના પુનરાગમનને શક્ય બનાવશે.