Get The App

'ઈન્ડિયા'નું ડૂબતું વહાણ છોડી ભાજપનો સાથ લેવા શરદ પવાર તૈયાર

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
'ઈન્ડિયા'નું  ડૂબતું વહાણ છોડી ભાજપનો સાથ લેવા શરદ પવાર તૈયાર 1 - image


- સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવવા, બાકીના સાંસદોને  પક્ષ છોડતાં રોકવા  પ્રયાસ

- ભાજપ માટે ફાયદાનો સોદો: 272નો આંક  થાય તો નીતિશ કુમાર અને ચન્દ્રાબાબુ પરનું અવલંબન ટળી જશે 

- શરદ પવાર સામે અજિત સાથે વિલય અથવા તો ભાજપને અલાયદા ટેકાના વિકલ્પો: ઉદ્ધવે પણ કોંગ્રેસને છેહની તૈયારીમાંં 

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી રાજકીય પુન-જોડાણોની બાજી ફરી ચિપાય તેવી સંભાવના છે. વિધાનસભા ચૂંટણીમાં ભારે મોટી પછડાટ ખાઈ ચૂકેલા શરદ પવાર હવે પુત્રી સુપ્રિયા ભાવિનું  સુરક્ષિત કરવા  ે ઈન્ડિયા ગઠબંધનનાં ડૂબતાં જહાજને છોડી દેવા ભાજપ સાથે જોડાણના પ્રયાસ કરી રહ્યા  હોવાની ચર્ચા છે.  બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પણ ભાજપ માટે કૂણું વલણ અપનાવી રહ્યા છે અને બીએમસી ચૂંટણીમાં કોંગ્રેસને છેહ આપવાની તૈયારીમાં છે. ભાજપ માટે આ ફાયદોનો સોદો છે.   લોકસભામાં શરદ પવારના આઠ અને ઉદ્ધવ ઠાકરેના નવ સભ્યો ચૂંટાયા હોવાથી ભાજપ  લોકસભામાં તેના ૨૭૨ ટેકેદાર સાંસદોનું સંખ્યાબંળ અંકે કરવાની દિશામાં આગળ વધી શકે છે. મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, ઓમર અબ્દુલ્લા પછી હવે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના આ પ્રયાસોથી ઈન્ડિયા ગઠબંધનનું નામું નખાવાની સાથે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ એકલી પડી જશે. 

  મહારાષ્ટ્ર વિધાનસભામાં શરદ પવારના ફક્ત ૧૦ ધારાસભ્ય ચૂંટાય છે. ઉદ્ધવ ઠાકરેના માત્ર ૨૦ ધારાસભ્ય ચૂંટાયા છે. બંનેને હવે એવો ડર પણ સતાવે છે કે તેમના સંસદસભ્યો અને ધારાસભ્યો ગમે ત્યારે તેમને છેહ આપીને ભાજપની છાવણીમાં જઈ શકે છે. વાસ્તવમાં ગયા મહિને જ અજિત પવારે શરદ પવારના સુપ્રિયા સૂળે સિવાયના સાતેય લોકસભા સભ્યોને તેમની સાથે જોડાવાની ઓફર આપી હોવાનું કહેવાય છે. જોકે, શરદ પવારને સમયસર આ વાતની ગંધ આવી ગઈ હતી અને તેમણે પોતાના સાંસદોને ઉતાવળ નહિ કરવા માટે વાર્યા હતા. એવું મનાઈ રહ્યું છે કે શરદ પવાર પોતે ભાજપ સાથે કોઈ રીતે જોડાણના વિકલ્પો તલાશી રહ્યા છે. આથી જ તેમણે સાંસદોને સીધા અજિતની પંગતમાં નહિ બેસવા જણાવ્યુ ંહતું. શરદ પવાર અને ઉદ્ધવ  ઠાકરે બંને જાણે છે કે તેઓ પોતાના સાંસદો અને ધારાસભ્યોને લાંબા સમય સુધી વિપક્ષમાં બેસાડી રાખી શકે તેમ નથી. 

અજિત સાથે વિલય બાબતે શરદ પવાર દ્વિધામાં

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ચર્ચા એવી થઈ રહી છે કે શરદ પવાર અને અજિત પવારની એનસીપીનો વિલય થઈ જશે. ટૂંકમાં ફરી એકીકૃત એનસીપી અસ્તિત્વમાં આવશે. થોડા સમય પહેલાં અજિત પવારનાં માતાએ જાહેરમાં આવું બને તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ ત્યારે તેમને અનુમોદન આપતાં કહ્યું હતું કે અમારા માટે તો શરદ પવાર ભગવાન છે અને રહેવાના જ છે. 

જોકે, એક ચર્ચા એવી છે કે પોતે સ્થાપેલી  પાર્ટી એમ સીધે સીધી અજિત પવારના ચરણે ધરી દેવામાં શરદ પવારને પોતાની આભા જોખમાય તેવી ભીતી છે. આથી તેઓ એક નવો વિકલ્પ તપાસી  રહ્યા છે. તે મુજબ શરદ પવારની એનસીપી અજિત પવારની એનસીપીમાં ભળવાને બદલે અલગ અસ્તિત્વ જાળવી રાખીને ભાજપને ટેકો આપે તેવી શક્યતા ચકાસાઈ રહી છે. આ ડીલમાં ફાયદો એ છે કે ભાજપ મહારાષ્ટ્રમાં અજિત પવારને પણ માપમાં રાખી શકશે. શરદ પવારનો ફાયદો એ છે ેકે સુપ્રિયા સૂળેને કેન્દ્રીય મંત્રી બનાવીને તેમનું રાજકીય ભાવિ સુનિશ્ચિત કરી શકાશે. શરદ પવાર સુપ્રિયાનાં ભાવિ માટે વધુ ચિંતિત બન્યા છે તેનું કારણ એ છે કે હજુ ગત વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ એવું માનતા હતા કે મહારાષ્ટ્રના મરાઠા સમુદાયમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, પછાત વર્ગોમાં અને બીજા કેટલાય સમુદાયોમાં ભાજપ એક હદથી વધારે વ્યાપ વધારી શકે તેમ જ નથી. મહારાષ્ટ્રમાં ભાજપ હંમેશાં વિધાનસભાની ૧૦૦ બેઠકો આસપાસ જીતી શકવાની મર્યાદામા ંજ રહેશે. જોકે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તેમની આ માન્યતા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. ભાજપને એકલા હાથે ૧૩૨ બેઠકો મળી છે એટલે કે તે લગભગ એકલા હાથ સરકાર રચવાની લગોલગ છે. હાલત એવી છે કે ખુદ શરદ પવાર રાજ્યસભાની આગામી ચૂંટણી જીતી શકે તેમ નથી. શરદ પવાર અને તેમના પક્ષના કોઈ નેતા વિપક્ષમાં રહેવા ટેવાયેલા જ નથી. કોંગ્રેસ સાથ રહીને હજુ કેટલાં વર્ષ વિપક્ષમાં રહેવુ ંપડશે તે નક્કી નથી. 

ઉદ્ધવને બીએમસી પરિણામો પર આશા

ઉદ્ધવ ઠાકરેના મુખપત્ર 'સામના'માં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મોં ફાટ પ્રશંસા કરવામાં આવી હતી. તે પછી ઉદ્ધવ પણ ભાજપ છાવણીમાં સરકી રહ્યા હોવાનું મનાય છે. જોકે, રાજકીય ચર્ચા મુજબ ઉદ્ધવ બીએમસી ચૂંટણી સુધી ઉતાવળ કરવા માગતા નથી. ઉદ્ધવને આશા છે કે બીએમસી ચૂંટણીમાં પોતે પોતાનો ગૂમાવેલો ગઢ પાછો મેળવી શકે છે. જો ઉદ્ધવ બીએમસીમાં વિધાનસભા કરતાં સારો દેખાવ કરે તો ભાજપ સાથે તેમનો બારગેઈનિંગ પાવર વધી શકે છે. ઉદ્ધવ માટે પણ આદિત્ય ઠાકરેનું રાજકીય ભાવિ સુરક્ષિત કરવાનું બહુ જરુરી બન્યું છે. જોકે, ઉદ્ધવને એ પણ આશંકા છે કે બીએમસી ચૂંટણીમાં તેમના ધાર્યા મુજબનું પરિણામ ન આવ્યું તો તેમના રહ્યાસહ્યા સાંસદો અને ધારાસભ્યો પણ ભાજપ ભણી દોટ મૂકી શકે તેમ છે. આથી, ઉદ્ધવે તે પહેલાં જ ભાજપ સાથે જોડાણના સંકેતો આપવા માંડયા છે. 

ભાજપને ફાવતો સોદો 

  લોકસભામાં હાલ ભાજપના ૨૪૦ સભ્યો છે. તેણે બહુમતી માટે નીતિશ કુમારના ૧૨ અને ચન્દ્રાબાબુ નાયડુના ૧૬ સભ્યો પર આધાર રાખવો પડે છે. નાયડુ અને નીતિશ કુમાર બંને વારંવાર રાજકીય જોડાણો બદલવા માટે જાણીતા છે. ભાજપ તેમના પર સંપૂર્ણ ટર્મ માટે ભરોસો રાખી શકે તેમ નથી. 


Google NewsGoogle News