શનિ શિંગણાપુરના કર્મચારીઓની સોમવારથી બેમુદ્દત હડતાળ
- રજાના સમયમાં દર્શનાર્થીઓને તકલીફ થશે
- કર્મચારીઓની માગણીઓ દેવસ્થાન વતી પૂર્ણ થતી ન હોવાથી બેમુદ્દત હડતાળનો આશરો
મુંબઇ : નાશિક પાસે આવેલ શનિ શિંગણાપુર દેવસ્થાનના ૪૦૦ કર્મચારીઓ ૨૫ ડિસેમ્બરથી બેમુદ્દત હડતાળ પર ઉતરવાના હોવાની માહિતી મળી છે. પોતાની વિવિધ માગણીઓ બાબતે દેવસ્થાન ટ્રસ્ટ વતી કોઈ નિર્ણય લેવાતો ન હોવાથી કર્મચારી યુનિયને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જો હડતાળ શરુ થઈ તો નાતાલની રજા અને નવા વર્ષને પગલે દર્શન માટે શિંગડાપુર જનારા ભાવિકોને મુશ્કેલીઓ આવવાની શક્યતા છે.
કર્મચારીઓની માગણી છે કે તમામ કામગારોને અનુભવ અને શૈક્ષણિક પાત્રતાનુસાર પદ આપો, પાંચમા વેતન પંચ પ્રમાણે ૨૦૦૩થી ૨૦૨૩નું એરિયર્સ આપી તમામ કર્મચારીઓને સાતમું વેતન આપવામાં આવે, કામગારોના વારસોને પણ નોકરીની તક અપાય, કોરોનામાં મૃત્યુ પામેલ કામગારોના વારસોને નુકશાન ભરપાઈ કરવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ કાયદાનું પાલન કરવામાં આવે, કર્મચારીઓની સેવાનિવૃત્તિની વય ૫૮થી ૬૦ કરવામાં આવે, દિવાળી પહેલાં બે મહિનાનો પગાર બોનસ રુપે આપવામાં આવે. એ સહિતની અનેક માગણીઓ પણ કર્મચારીઓએ કરી છે.
આ બાબતે દેવસ્થાન અને કર્મચારીઓ વચ્ચે બેઠકો પણ થઈ ચૂકી છે. પરંતુ તેમાં કોઈ નિર્ણય ન આવતાં હવે કર્મચારીઓએ બરોબર મોકા પર હડતાળની ઘોષણા કરી છે. જેથી શિર્ડી-શનિ શિંગડાપુર જનારાં ભાવિકોએ આ વાતને ધ્યાનમાં રાખી પ્રવાસ કરવાની સલાહ છે.