શાહરુખની સિક્યોરિટી વાય પ્લસ અપગ્રેડ થઈઃ જાતે ખર્ચો ભોગવશે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
શાહરુખની સિક્યોરિટી વાય પ્લસ અપગ્રેડ થઈઃ જાતે ખર્ચો ભોગવશે 1 - image


શાહરુખને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો દાવો 

મન્નત બંગલા બહાર પણ એકે 47 સાથે જવાનો ગોઠવાશે, હાલ જવો  ટોળાં એકઠાં કરી ઝલક આપવા બહાર આવવાનો તમાશો બંધ કરવો પડશે

મુંબઈ :  બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની સિક્યોરિટી અપગ્રેડ કરીને વાય પ્લસ કરવામાં આવી છે. તેને કેટલીક ધમકીઓ મળી હોવાના સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, આ પેઈડ સિક્યુરિટી હશે. મતલબ કે સિક્યુરિટીનો સમગ્ર ખર્ચો ખુદ શાહરુખ ખાન ભોગવશે. 

અત્યાર સુધી શાહરુખની સાથે માત્ર બે પોલીસ કોન્સ્ટેબલ જ રહેતા હતા. જોકે, હવે વાય પ્લસ સિક્યુરિટી કવરમાં તેની સાથે ત્રણ શિફ્ટમાં છ-છ ચુનંદા પોલીસ જવાનો રહેશે .આ ઉપરાંત પાંચ પોલીસ  સશસ્ત્ર જવાનોની એક ટીમ મુંબઈના બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ ખાતે આવેલા તેના મન્નત બંગલા બહાર સતત તૈનાત રહેશે. આ ટીમ એમપી ફાઈવ મશીનગન્સ, એકે ૪૭ એસોલ્ટ રાઈફલ્સ તથા ગ્લોક પિસ્તોલ્સ સાથે સજ્જ હશે.  હાલ સમયાંતરે શાહરુખના મન્નત બંગલા બહાર તેના ચાહકોનાં ટોળાં જામતાં રહે છે. વીક એન્ડ દરમિયાન આ ભીડ સેંકડોમાં પહોંચી  જાય છે. ક્યારેક ક્યારેક કોઈ રવિવારે શાહરુખ ખાન ખુદ તેના બંગલાની દિવાલ પર બનાવાયેલાં એક ખાસ સ્ટેન્ડમાં તેના ચાહકોને ઝલક આપવા આવે છે. જોકે, હવે તેના પર વધેલાં જોખમને જોતાં હવે મન્નત બહાર ટોળાં નહીં જામવા દેવાય એમ માનવામાં આવે છે. 

શાહરુખના ઘરની બિલકુલ પાસે રહેતો સલમાન ખાન પણ અગાઉ બાન્દ્રાના રસ્તાઓ પર બેફિકર રહીને સાયકલ ચલાવતો હતો અને તેનાં ગેલેક્સી એપાર્ટમેન્ટની ગેલેરીમાં ચાહકોે ઝલક આપવા અવારનવાર આવતો હતો. પરંતુ, બિશ્નોઈ ગેંગ દ્વારા તેની હત્યાનું કાવતરું ઘડાયા બાદ અને એક શાર્પશૂટર છેક ગેલેક્સી એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયાની માહિતી મળ્યા બાદ હવે સલમાનને જાહેરમાં સલામતી કાફલા વિના બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને હવે તેનાં એપાર્ટમેન્ટની બહાર પણ ટોળાં જામવા દેવાતાં નથી. 

મહારાષ્ટ્ર પોલીસની જુદી જુદી ખાનગી વ્યક્તિઓની સલામતીની સમયાંતરે સમીક્ષા કરતી એક ઉચ્ચ સ્તરીય કમિટીએ શાહરુખને ધમકીઓ મળતી હોવાથી તેના પર જોખમ વધ્યું હોવાનું તારણ આપ્યું હતું અને સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપોર્ટમેન્ટને ફરીથી તેની સિક્યુરિટીની સમીક્ષા ન થાય ત્યાં સુધી તેની સિક્યુરિટી અપગ્રેડ કરવા જણાવ્યું હતું. 

આ સંદર્ભના આદેશમાં મહારાષ્ટ્રના તમામ પોલીસ કમિશનર્સ તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને પણ શાહરુખની તેમના અધિકારક્ષેત્રની મુલાકાત દરમિયાન આ સ્તરની સિક્યુરિટી પૂરી પાડવા જણાવાયું છે.



Google NewsGoogle News