નેવી અધિકારીઓની મુક્તિમાં પોતે કોઈ ભૂમિકા ભજવ્યાનો શાહરુખનો ઈનકાર
શાહરુખે કતાર સરકારની સમજાવટ કરી હોવાનો સુબ્રમણિઅન સ્વામીનો દાવો
કતારથી નેવી અધિકારીઓની મુક્તિનું સંપૂર્ણ શ્રેય ભારત સરકારને જાય છે અને હું તેનાથી બહુ ખુશ છું એવું શાહરુખનું નિવેદન
મુંબઈ : કતારથી ભારતીય નૌ સેનાના આઠ અધિકારીઓની મુક્તિમાં પોતે કોઈ ભૂમિકા ભજવી હોવાનો ફિલ્મ સ્ટાર શાહરુખ ખાને ઈનકાર કર્યો છે. તેણે કહ્યું હતું કે આ મુક્તિથી પોતે પણ બહુ ખુશ છે અને આ મુક્તિનું સંપૂર્ણ શ્રેય ભારત સરકારને જાય છે. મેં આમાં કોઈ ભૂમિકા ભજવી નથી.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણિઅન સ્વામીએ દાવો કર્યો હતો કે કતારથી નૌ સેના અધિકારીઓની મુક્તિમાં શાહરુખ ખાને મહત્વની ભૂમિકા ભજવી છે. શાહરુખે જ કતાર સરકારના પદાધિકારીઓને આ માટે સમજાવ્યા હોવાનું સ્વામીએ કહ્યું હતું.
શાહરુખે હજુ થોડા દિવસો પહેલાં જ કતારની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસ્સીમ અલ થાની સાથે મુલાકાત પણ કરી હતી. શાહરુખની આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
સ્વામીએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહરુખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવાની જરુર છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ જાસૂસીના આરોપસર પકડાયેલા ભારતીય નેવીના અધિકારીઓની મુક્તિમાં નિષ્ફળ ગયા હતા. તે પછી વડાપ્રધાન મોદીએ શાહરુખ ખાનને દરમિયાનગીરી કરવા જણાવતાં કતારના શેખો સાથે નેવી અધિકારીઓની મુક્તિ માટે બહુ મોંઘો સોદો પાર પાડવામાં આવ્યો હતો.
આ પોસ્ટને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી હતી. પરંતુ, શાહરુખની ટીમ તરફથી સત્વરે તેનો રદિયો આપવામાં આવ્યો હતો. શાહરુખની ટીમ તરફથી જણાવાયું હતું કે નેવી અધિકારીઓની મુક્તિમાં શાહરુખની દરમિયાનગીરી વિશેના કોઈપણ ઉચ્ચારણો બિનપાયેદાર છે. નેવી અધિકારીઓની સફળ મુક્તિનું શ્રેય એકમાત્ર ભારત સરકારને જાય છે. આ બાબતમાં શાહરુખ ખાનની કોઈપણ પ્રકારની સામેલગીરીની વાતને અમે સ્પષ્ટ રદિયો આપીએ છીએ.
આપણી રાજદ્વારી બાબતો તથા રાજદ્વારી કૌશલ્યને લગતી કામગીરી સુપેરે પાર પાડવામાં આપણા નેતાઓ સંપૂર્ણ સક્ષમ છે. અન્ય તમામ ભારતીયોની જેમ શાહરુખ ખાન ખુદ પણ આ નેવી અધિકારીઓ સહીસલામત વતન પાછા ફર્યા તેથી ભારે ખુશી અનુભવે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે એમ શાહરુખની ટીમ વતી જારી કરાયેલાં નિવેદનમાં જણાવાયું છે.