એસટીની હડતાલ શરુ થતાં અનેક ડેપો બંધ : 15 કરોડથી વધુનું નુકસાન
ગણેશોત્સવ ટાણે જ હડતાલથી લાખો પ્રવાસીઓને હાલાકી
11 યુનિયનો જોડાયાં : ગણેશોત્સવ નિમિત્તે 5 હજાર વિશેષ બસો દોડાવવાનું આયોજન ઠપઃ ખાનગી બસ સંચાલકોને લહેરઃ આજે સરકાર સાથે બેઠક
મુંબઇ : સોમવારે મોડી રાત્રે એસટી કામદારોના ૧૧ યુનિયનોએ હડતાળ શરૃ કરી દેતા આજે દિવસભર એસટીના રાજ્યના ૬૦થી વધુ ડેપોનું સંચાલન બંધ થઈ ગયુ હતું. તેને પગલે ગણેશોત્સવ નિમિત્તે રાજ્યમાં પોતાના વતન ભણી જનારા લાખો લોકો હાલાકીમાં મૂકાયા છે. એસટી કર્મચારીઓએ પગાર અને અન્ય માગણી માટે આ હડતાળ આદરી છે. હવે હડતાલ સમેટાય તેવા પ્રયાસો માટે સરકારે આવતીકાલે યુનિયનો સાથે બેઠક યોજી છે.
ગત મહિને રાજ્ય સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ થયા બાદ સમિતિએ આ માર્ગ અપનાવ્યો છે. એસટી અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે ૧૧ યુનિયનોની એક્શન કમિટીએ હડતાળ શરૃ કરી છે. જેને કારણે એસટીના ૬૦થી વધુ મંગળવારે ઠપ રહ્યા હતા. અન્ય ડેપો પૂર્ણપણે કાં તો આંશિક પણે ચાલુ છે. આ હડતાલથી એસટીને આશરે ૧૫ કરોડનું નુકસાન થયું છે. સરકાર ગણેશોત્સવ વખતે લોકોને વતન જવા માટે પાંચ હજાર વિશેષ બસો દોડાવવાની હતી. તેના આયોજન પર આજે પાણી ફરી વળ્યું હતું.
સમિટીએ રાજ્ય સરકારના કર્મચારીઓને અપાતા પગાર સમાન એસટી કર્મચારીઓને આપવાની માગણી કરી છે. એસટી કર્મચારીએ કહ્યું હતું કે મુંબઇ ડિવિઝનની બસ સેવાને અસર પહોંચી નથી. પણ થાણે ડિવિઝનના પ્રવાસીઓને થોડી હાલાંકી થઇ હતી. કારણ કે કલ્યાણ, વિઠ્ઠલવાડી ડેપો પૂર્ણપણે બંધ રહ્યા હતા. વિદર્ભ છોડીને રાજ્યના અન્ય વિભાગોમાં હડતાળની અસર દેખાઇ હતી. પુણે- નાશિકના કેટલાક ડેપો પૂર્ણપણે બંધ રહ્યા હતા અગાઉ વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબરમાં હજારો એસટી કર્મચારીઓ અનિશ્ચિત હડતાળ પર ઉતર્યા હતા. તે વખતે પણ તેમણે સરકારી કર્મચારીઓ સમાન પગારની અને એસટીને સરકારમાં મર્જ કરવાની માગણી કરી હતી. ઘણા મહિનાઓ સુધી ચાલેલી હડતાળથી પ્રવાસીઓને ભારે હેરાનગતિ થઇ હતી. અંતે હાઇકોર્ટે કામદારોને ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ફરી ફરજ પર જોડાવાનો આદેશ કર્યો હતો.