નાલાસોપારામાં સાત વર્ષીય બાળકીનું જાતીય શોષણ કરનારની સુરતથી ધરપકડ
- આખરે તે સિરિયલ રેપિસ્ટ પોલીસની જાળમાં તપડાયો
- અન્ય બાળકી સાથે પણ દુષ્કૃત્ય કર્યું હતું
મુંબઈ : નાલાસોપારામાં સાત વર્ષીય બાળકીનું અપહરણ કરી બિલ્ડિંગની ટેરેસ પર તેનું જાતીય શોષણ કરનારા સિરિયલ રેપિસ્ટને સુરતમાં ઝડપી લેવામાં આવ્યો છે. વસઇઃવિરારમાં છેલ્લા થોડા સમયથી સિરિયલ રેપિસ્ટના લીધે ગભરાટ ફેલાયેલો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૮ વર્ષીય આ નરાધમ મૂળ રાજસ્થાનનો છે. તેણે થોડા મહિના અગાઉ નાલાસોપારામાં અન્ય એક બાળકીનો પણ વિનયભંગ કર્યો હતો.
વસઇ ક્રાઇમ યુનિટ-૨ની સિનિયર પોલીસ ઇન્સ્પેકટર શાહુરાજ રાણાવરેએ જણાવ્યું હતું કે નાલાસોપારાના આચોલે ખાતે ગત ૧૩ ફેબુ્રઆરીના બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આરોપી યુવક પીડિતાની બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો તે બળજબરીથી સાત વર્ષીય બાળકીને બિલ્ડિંગની ટેરેસ પર લઇ ગયો હતો. જ્યાં તેણે આ માસૂમ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.
બાદમાં બાળકીએ તેના માતા, પિતાને બનાવની જાણ કરી હતી. આ મામલે આચોલે પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૭, ૩૬૩, પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ આ કેસની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીને શોધવા જુદી જુદી ટીમો બનાવી હતી. તેમણે સીસીટીવી ફુટેજ અને અન્ય માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધારે અજમેર એક્સ્પ્રેસમાં નાસી રહેલા આરોપીને સુરતમાં પકડવામાં આવ્યો હતો.
તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નાલાસોપારામાં નિર્જન સ્થળે લઇ જઇ અન્ય સાત વર્ષીય બાળકીના તેણે વિનયભંગ કર્યોહતો આ ઘટના સંબંધમાં તુળીંજ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૫૪ અને પોક્સો હેઠળ ગુના દાખલ કરાયો છે.
અગાઉ સ્કૂલમાં જતી બાળકીનું જાતીય શોષણ કરનારા વિકૃત આરોપીની વારાણસીથી ધરપકડ કરાઇ હતી.