મુંબઇના 7 જળાશયોમાં વર્ષભર ચાલે એટલું પાણી જમા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
મુંબઇના 7 જળાશયોમાં વર્ષભર ચાલે એટલું પાણી જમા 1 - image


વિઘ્નહર્તાની પધરામણી સાથે પાણીનું વિઘ્ન ટળ્યું

જળાશયોમાં 98.27  ટકા પાણીનો જથ્થો

મુંબઇ :  ઓગસ્ટ મહિનો વરસાદ વિના કોરો જવાથી મુંબઇને પાણી પૂરું પાડતા જળાશયોની સપાટી નીચે જવા માંડતા ફરી પાણી- કાપ મૂકાય એવી શક્યતા હતી. પરંતુ ત્યાર પછી સારો વરસાદ પડતા મુંબઇને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં ૯૯.૨૭  ટકા પાણીનો જથ્થો જમા થઇ ગયો છે. આમ એક વર્ષ ચાલે એટલું પાણી આવી ગયું છે.

મુંબઇના સાત જળાશયો મોડકસાગર, અપ્પર વૈતરણા, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, તુલસી અને વિહારમાં ૧૪.૨૨ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. 

ગયા જુલાઇથી મુંબઇમાં ૧૦ ટકા પાણી- કાપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી તળાવોના જળગ્રાહી વિસ્તારમાં સારો વરસાદ પડતા જળાશયોમાં પાણીની આવક વધવા માંડી હતી. આથી આઠમી ઓગસ્ટે પાણી- કાપ પાછો ખેંચવામાં આવ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદના રિસામણાને લીધે ફરીથી પાણી- કાપ મૂકવો પડે એવી સ્થિતિ સર્જાઇ હતી. પણ હવે પાણી- કાપની ચિંતા રહી નથી. 

જોકે, હજુ ગયાં વર્ષની સરખામણીએ પાણીનો જથ્થો સ્હેજ ઓછો છે. ગયાં વર્ષે તા. ૨૧મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૧૪.૨૪ મિલિયન લીટર પાણી જમા હતું. ૨૦૨૧માં આજની તારીખે ૧૪.૩૮ મિલિયન લીટર પાણી જમા હતું.



Google NewsGoogle News