મંકીપોક્સ માટે અલગ વોર્ડ, દર્દીના સંપર્કમાં આવેલા તમામની તબીબી તપાસ
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી
મંકીપોક્સનાં શંકાસ્પદ લક્ષણો જણાય તો સેમ્પલ પુણેના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવા સલાહ
મુંબઇ - મહારાષ્ટ્ર સરકારના જાહેર આરોગ્ય વિભાગે મંકીપોક્સની બીમારી સંબંધી માર્ગદર્શિકા જારી કરી છે. મંકીપોક્સની અસર ન થાય તે માટે નાગરિકોએ કેવી કેવી કાળજી રાખવી તે વિશે ઉપયોગી સૂચના આપવામાં આવી છે.
વિશ્વ આરોગ્ય સંગઠને(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) મંકીપોક્સને વિશ્વ વ્યાપી બીમાર જાહેર કરી છે. મંકીપોક્સ વાયરલ ડિસિઝ(વિષાણુજન્ય -- ચેપી બીમારી) છે.
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગના જોઇન્ડ ડાયરેક્ટર ડો. રાધાકિશન પવારે એવી માહિતી આપી છે કે કોઇપણ એક દરદીને મંકીપોક્સનો ચેપ લાગે તો તે પરિસ્થિતિને મંકીપોક્સનો રોગચાળો જાહેર કરવામાં આવે છે.આ ચિંતાજનક લક્ષણોને ધ્યાનમાં રાખીને રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા દરેક કેસની પૂરતી કાળજી રાખવી જોઇએ. જે કોઇ વ્યક્તિમાં કદાચ પણ મંકીપોક્સનાં લક્ષણો હોવાનું જણાય તો તે વ્યક્તિના રક્તના નમૂના નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી(એન.આઇ.વી. --પુણે)ને મોકલવા જોઇએ. સાથોસાથ જે મંકીપોક્સના દરદી નજીક કે સંપર્કમાં રહેતી બધી વ્યક્તિની પણ તબીબી તપાસ થવી જોઇએ.
બીજીબાજુ ભારત સરકારના આરોગ્ય વિભાગે પણ તમામ રાજ્યોને જરૃરી સલાહ -સૂચના આપ્યાં છે. જે શહેરોમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિમાન મથક અને બંદર છે ત્યાં આરોગ્ય ખાતાએ બંને વિભાગ સાથે નિયમિત રીતે સહયોગ સાધવો જરૃરી છે. વિમાન મથક અને બંદર પર તબીબી પરીક્ષણની બધી સુવિધા હોવી જરૃરી છે. સાથોસાથ તમામ હોસ્પિટલોેમાં પણ દરદીઓ માટે બધી આરોગ્ય સુવિધા હોવી જરૃરી છે. ખાસ કરીને મંકીપોક્સનાં દરદીઓને અલગ વોર્ડમાં જ રાખવાં જોઇએ.