મુંબઇ પોલીસનો સિનિયર ઇન્સ્પેક્ટરની રૃા. 35 હજારની લાંચ લેતા પકડાયો
એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં ફસાયો
ફરિયાદીને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરેલી રકમ પાછી મેળવવી અપાવવા લાંચ માંગી
મુંબઇ : મુંબઇ પોલીસના એક સિનિયર ઇન્સ્પેક્ટરને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરેલા પૈસા પાછા મેળવવી અપાવવા મદદ કરવા એક વ્યક્તિ પાસેથી રૃા. ૩૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, એમ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મંગળવારે જણાવ્યું હતું.
એસીબીના અધિકારીએ સોમવારે છટકું ગોઠવીને તિલકનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક બાગુલ (ઉં.વ.૫૬)ને પકડી લીધો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા દ્વારા સંચાલિત ક્રેડિટ સોસાયટીઓ ફરિયાદીએ રૃા. ૨૭.૫૦ લાખનું રોકાણ કર્યું હતું. મહિલાએ તેને રૃા. ૧૭.૫૦ લાખ આપવાના બાકી હતી. આ રકમ પરત કરવાને બદલે મહિલાએ તિલકનગર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાગુલે આ રકમ પાછી મેળવવા મદદ કરવા માટે ફરિયાદી પાસે રૃા. એક લાખની લાંચ માગી હતી. છેવટે તે રૃા. ૩૫ હજાર લેવા સહમત થયો હતો. બીજી તરફ ફરિયાદીને લાંચ આપવી નહોતી. આથી તેણે એસીબીને મામલાની જાણ કરી હતી. તેમણે જાળ બિછાવીને બાગુલને રૃા. ૩૫ હજારની લાંચ લેતા પકડયો હતો. તેની સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.