બદલાપુર કેસમાં સિનિયર મહિલા પીઆઈ સસ્પેન્ડ : 2 વર્ષનું ઈન્ક્રીમેન્ટ અટકાવાયું
બાળકીઓના જાતીય શોષણ કેસમાં સરકારની હાઈકોર્ટને માહિતી
પોલીસ ફરિયાદ લેવામાં વિલંબ થયો હતોઃ 2 કોન્સ્ટેબલને ચેતવણી તપાસ પૂરી થતાં એસઆઈટી વિસર્જીત કરાયાની કોર્ટમાં રજૂઆત
મુંબઈ : બદલાપુર જાતીય શોષણના કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે અને વરિષ્ઠ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરજ પ્રત્યે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારે બોમ્બે હાઈ કોર્ટને માહિતી આપી હતી. મૃત આરોપી સામે અને સ્કૂલના ટ્રસ્ટીઓ સામે બે આરોપનામા દાખલ કરવામાં આવ્યાની પણ માહિતી અપાઈ હતી. કેસને ગંભીરતાથી નહીં લેવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલને કડક ચેતાવણી અપાઈ છે.
સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) વતી સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતુ કે તપાસ પૂર્ણ થતાં એસઆઈટી વિસર્જીત કરાઈ છે.
ખાતાતીય તપાસમાં જણાયું હતું કે બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એફઆઈઆર નોંધવામાં વિલંબ કર્યો હતો. પોલીસ સ્ટેશનની વરિષ્ઠ મહિલા ઈન્સ્પેક્ટરને સસ્પેેન્ડ કરવામાં આવ્યા છે. તેને બે વર્ષનો પગારવધારો અટકાવી દેવાયો હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું.
હાઈકોર્ટે સ્વેચ્છાએ દખલ લઈને કમિટી રચીને સ્કૂલમાં અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સલામતી તપાસનાનો આદેશ આપ્યો હતો. કમિટી જાન્યુઆરી ૨૦૨૫માં અહેવાલ રજૂ કરશે એમ કોર્ટને જણાવાયું હતું.
મૃત્યુ પામેલા આરોપીના માતાપિતાને પોલીસ રક્ષણ આપવા અંગે કોર્ટે સુનાવણી ૧૯ ડિસેમ્બર પર રાખી છે.
સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીના માતાપિતાએ પોલીસ રક્ષણ નકાર્યું છે પણ તેમને ઘર પર હિમલો થાય એવો ભય સતાવી રહ્યો છે. એક કોન્સ્ટેબલને તેમના ઘરની બહાર તહેનાત રખાયો છે. જોકે માતાપિતાના વકિલે પોલીસ રક્ષણ નકાર્યું હોવાની વાતને નકારી હતી. કોર્ટે માતાપિતાને કોર્ટમાં હાજર રાખવા જોઈતા હતા એમ જણાવ્યું હતું. અગાઉ કોર્ટે સીઆઈડીના રેઢિયાળ ખાતાને લઈને ઝાટકણી કાઢી હતી.
બદલાપુરની શાળામાં બે બાળકીનું જાતીય શોષણ થતાં હોબાળો મચ્યો હતો અને આરોપીની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં લઈ જતી વખતે પોલીસ સાથેના ગોળીબારમાં તેનું મોત થયું હતું. આરોપીના પિતાએ પોતાના પુત્રનું એન્કાઉન્ટર કરાયાનો આરોપ કરીને તપાસની માગણી કરી હતી.