પીએમની બદનક્ષી કરતા લેખ બદલ સંજય રાઉત સામે દેશદ્રોહનો ગુનો
રાઉતે કહ્યું, આ તો ભાજપની સેન્સરશિપ
શિવસેનાયુબીટીના મુખપત્ર સામનામાં લેખ મુદ્દે ભાજપના પદાધિકારીએ ફરિયાદ નોંધાવી
મુંબઇ : શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કથિત રીતે વાંધાજનક લેખ લખવા બદલ શિવસેના (યુબીટી)ના સાંસદ અને સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉત સામે યવતમાળના ઉમરખેડ પોલીસ મથકમાં રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ રાઉતે આ કાર્યવાહીને ભાજપની સેન્સરશિપ સમાન ગણાવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના યવતમાળ જિલ્લાના સંયોજક નીતિન ભૂતડા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભૂતડાએ એવો દાવો કર્યો હતો કે રાઉતે ૧૧ ડિસેમ્બરના સામનાના અંકમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખ્યો હતો. સોમવારે યવતમાળના ઉમરખેડ પોલીસ મથકમાં સંજય રાઉત વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૨૪(એ) (રાજદ્રોહ), ૧૫૩(એ) (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) તેમ જ ૫૦૫(૨) (દુશ્મનાવટ અને દ્વેષ ફેલાવતા નિવેદનો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે અમે ફરિયાદ મુજબ કેસ નોંધ્યો છે અને તેની વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરીશું.
રાઉતે જણાવ્યું હતું કે પોતે રાજકીય ટીકા કરી હતી. ભાજપે એમ ન કહેવું જોઈએ કે તેણે કટોકટી સામે લડત આપી હતી કારણ કે એ લડત આ પ્રકારની સેન્સરશિપ સામે હતી.