Get The App

સૈફના પોશ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હાઉસ કીપિંગ એજન્સીને

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
સૈફના પોશ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હાઉસ કીપિંગ એજન્સીને 1 - image


સેલિબ્રિટીઓનાં એપાર્ટમેન્ટની સુરક્ષામાં પોલમપોલ

કેટલીય બિલ્ડિંગોમાં ટ્રેઈન્ડ ગાર્ડ અને એપ આધારિત એન્ટ્રી હોય છે પરંતુ અમુક  બિલ્ડિંગોમાં પૈસા બચાવવા સુરક્ષા સાથે સમાધાન 

મુંબઈમાં લાયસન્સ વિનાની  સેંકડો એજન્સીઓ,  લાખો ગાર્ડસ કોઈ જાતની ટ્રેનિંગ વિના ડયૂટી પર

મુંબઇ: સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં જે રીતે અજાણ્યો હુમલાખોર ઘૂસી ગયો તે પરથી સૈફ જેવા નવાબી ખાનદાનના  વ્યક્તિ તથા ટોચના ફિલ્મ સ્ટારની બિલ્ડિંગની સિક્યુરિટીમાં આટલી પોલમપોલ કેવી રીતે હોય તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે સૈફની સતગુરુ શરણ  બિલ્ડિંગ માટે કોઈ પ્રોફેશનલ સિક્યોરિટી  એજન્સીને બદલે હાઉસકીપિંગ એજન્સીને જ સિક્યુરિટી માટે માણસો  પૂરા પાડવાનું સોંપી દેવાયું હતું. આથી,  બિલ્ડિંગમાં ટ્રેઈન્ડ ગાર્ડ કે અન્ય સુરક્ષા પ્રોટોકોલ્સનું કોઈ ખાસ પાલન જ થતું ન હતું. 

પ્રોફેશનલ એજન્સીઓ સિક્યુરિટી ગાર્ડસને ટ્રેનિંગ પૂરી પાડતી હોય છે. તેમને સિક્યુરિટી માટે જરુરી સરંજામ પણ ઉપલબ્ધ કરાવતી હોય છે. પરંતુ, સૈફની  બિલ્ડિંગમાં કોઈ ટ્રેઈન્ડ ગાર્ડસ જ ન હતા. બિલ્ડીંગમાં પ્રવેશનારા મહેમાનો અથવા ડોમેસ્ટિક હેલ્થ, કુરિયર, ફૂડએપ એજન્સીના સ્ટાફના નામ અને ફોન નંબર મુલાકાતીઓના રજિસ્ટરમાં નોંધવામાં આવવા જોઇએ તેવું પણ કરવામાં આવતું ન હતું તેવો દાવો પણ તેમણે કર્યું હતું. આ બધી ક્ષતિઓની તપાસ કરવામાં આવી રહી છે તેવું પોલીસે કહ્યું હતું. કેટલીય બિલ્ડિંગમાં મેઈન ગેટ,  અને દરેક ટાવર એમ બે સ્તરે સિક્યુરિટી ચેક થતું હોય છે. કેટલીય બિલ્ડિંગોમાં તો કોઈ પણ પ્રકારના ડિલિવરી મેનને છેક ફલોર પર જવાની પરવાનગી જ હોતી નથી. કેટલીય સોસાયટીઓમાં તો એપ આધારિત સિક્યુરિટી સિસ્ટમ હોય છે જ્યાં રહીશ પૂર્વમંજૂરી આપે તે પછી જ સિક્યુરિટી જવાન સંબંધિત અન્ય વ્યક્તિને બિલ્ડિંગમાં પ્રવેશવા દે છે. પરંતુ, સૈફની  બિલ્ડિંગના કિસ્સામાં બહાર  ઊભા રહેતા ફેરિયાઓએ કબૂલ્યા પ્રમાણે સિક્યુરિટી જવાને ઘણી વખત તેમને કોઈ ચેકિંગ કે રજિસ્ટરમાં નોંધણી વિના પ્રવેશ આપી દેતો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર સિક્યુરિટી પાછળનો ખર્ચ ઘટાડવા ઘણી હાઉસિંગ સોસાયટીઓ લાઇસન્સ વગરની એજન્સીઆ પાસેથી જવાનો તૈનાત કરાવી દે છે.  બિલ્ડીંગોની સુરક્ષા માટે ઓનલાઇન સર્વિસ આપનારાઓની ભરમાર થઇ છે તે પછી આ ક્ષેત્રમાં  કોઈ જાતનું નિયમન પણ રહ્યું નથી. કોઈ બેકગ્રાઉન્ડ ચેક થતું નથી. જવાનને તાલીમ છે કે નહિ તે પણ તપાસાતું નથી. કેટલીય સોસાયટીઓમાં તો ૬૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓ પણ સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવતા હોય છે. અનેક સોસાયટીઓમાં મધરાત પછી સિક્યુરિટી જવાનો ઊંઘી જતા હોય તે બહુ કોમન દ્રશ્ય છે. 

પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે સુરક્ષાગાર્ડસની ભરતીમાં બેદરકારી દર્શાવતી  અને લાઇસન્સ વગર કોન્ટ્રેક્ટ લેનારી સિક્યોરિટી એજન્સીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. ગાર્ડસના   બેક ગ્રાઉન્ડ ચેકિંગ માટે સુરક્ષા એજન્સીઓએ 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર' (એસઓપી સુનિશ્ચિત કાર્યપદ્ધતિ)નું પાલન કરવું જોઇએ તેવું તેમણે કહ્યું હતું.

મુંબઇ મેટ્રોપોલિટન રિજિયનમાં ૧૫૦૦ ખાનગી સુરક્ષા એજન્સીઓ છે જે લાઇસન્સ ધરાવે છે. તેમના છ લાખ સુરક્ષા ગાર્ડસ રેલિડેન્શિયલ, સરકારી અને કોર્પોરેટ બિલ્ડીંગમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે લાઇસન્સ વગરની ૧૨૦૦ સુરક્ષા એજન્સીઓ પણ જબરદસ્ત બિઝનેસ કરી રહી છે. ટ્રેઇનિંગ વગરના બે લાખ ગાર્ડસ ડયુટી કરી રહ્યા છે. રૂા. ૩૦૦૦ કરોડનું વાર્ષિક  ટર્નઓવર ધરાવતા સિક્યુરિટી એજન્સીઓ માટે સરકારી નિયમનકારી માળખું ઉભું કરવું જોઇએ તેવી માગણી થઈ રહી છે. 


Google NewsGoogle News