શિરડી સાંઈબાબા ટ્રસ્ટને મળેલું ગુપ્ત દાન પણ કરમુક્તિને પાત્ર: હાઈકોર્ટ
એપલેટ ટ્રિબ્યુનલ સામેની આઈટી ડિપાર્ટમેન્ટની અપીલ ફગાવાઈ
ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ બંને છે, ગુપ્ત દાન કરવાની ભક્તોની ભાવના પર ઈનકમટેક્સ ખાતું નિયંત્રણ રાખી શકે નહીં
મુંબઈ : શિરડીનું શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ ચેરિટેબલ અને ધાર્મિક એમ બંને સંગઠન હોવાથી ભક્તોએ કરેલું નનામું દાન આવકવેરામાંથી મુક્તિને પાત્ર હોવાનો ઈનકમ ટેક્સ એપલેટર ટ્રિબ્યુનલ (આઈટીએટી)એ આપેલા આદેશને બોમ્બે હાઈકોર્ટે બહાલ રાખ્યો છે.
અગાઉની સુનાવણીમાં આવકવેરા ખાતાએ કરેલી અપીલ પર આદેશ બાકી રાખીને બોમ્બે હાઈ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે તિર્થસ્થાને નનામું દાન કરવાની ભક્તોની ભાવના પર આવકવેરા ખાતું નિયંત્રણ રાખી શકે નહીં.
ન્યા. કુલકર્ણી અને ન્યા. સુંદરેસનની બેન્ચે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ (એક્ઝેમ્શન) દ્વારા કરેલી અપીલમાં આદેશ આપ્યો છે. અપીલમાં આઈટી ડિપાર્ટમેન્ટે પચ્ચીસમી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઈન્કમ ટેક્સ અપલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી)એ આપેલા આદેશને પડકાર્યો હતો. આદેશમાં ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ ધર્માદાયી અને ધાર્મિક એમ બંને છે અને આથી તેને મળતા ગુપ્ત ડોનેશન પર આવકવેરામાંથી ટ્રસ્ટ મુક્તિ મેળવવાને પાત્ર છે.
હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રસ્ટની હુંડીમાં ૨૦૧૫-૧૬, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ દરમ્યાન મળેલું રૃ. ૧૫૯.૧ ૨ કરોડન અજ્ઞાાત દાન આવકવેરા કાયદાની કલમ ૧૧૫બીબીસી(૨)(બી) અનુસાર કરપાત્ર નથી.
આવકવેરા કાયદાની કલમ ૧૧૫બીબીસી(૧) અનુસાર ટ્રસ્ટને મળતું ગુપ્ત દાન અમુક કેસમાં કરપાત્ર હોઈ શકે છે. જ્યારે કલમ ૧૧૫બીબીસી (૨)(બી) અનુસાર જો ટ્રસ્ટ માત્ર ધાર્મિક કે ધર્માદા હેતુસર સ્થાપિત કરાયું હોય તો આવો કર લાગુ પડતો નથી. એપલેટ ટ્રિબ્યુનલનો નિર્ણય કાયદાની દ્રષ્ટીએ સાચો છે. સાંઈબાબા ટ્રસ્ટ રાજ્ય વિધાનમંડળના વિશેષ કાયદા હેઠળ રચાયેલું છે અને ધાર્મિક અને ચેરિટેબલ બંને છે.
આઈટી વિભાગે આદેશને પડકારતી અરજીમાં દલીલ કરી હતી કે ટ્રસ્ટ ધર્માદા સ્વરુપનું છે ધાર્મિક ટ્રસ્ટ નથી. ૨૦૧૯ સુધી મળેલું કુલ ડોનેશન રૃ.૪૦૦ કરોડ હતું જેમાંથી માત્ર રૃ. ૨.૩૦ કરોડની નજીવી રકમ જ ધાર્મિક કામમાં વપરાઈ છે. મોટાભાગની રકમ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મેડિકલ ફેસિલિટી વગેરેમાં વપરાઈ છે. જે દર્શાવે છે કે ટ્રસ્ટ ચેરિટેબલ છે ધાર્મિક નથી, એમ ડિપાર્ટમેન્ટ વતી એડવોકેટે દલીલ કરી હતી.
જજે જોકે નોંધ્યું હતુંં કે એવું કહેવાય છે કે સાઈબાબા ભગવાન દત્તાત્રેયનો અવતાર હતા અને આથી લોકો તેમને પૂજે છે. આથી ટ્રસ્ટને મળતું તમામ દાન આસ્થાને કારણે આપવામાં આવે છે, એમ ન્યા. કુલકર્ણીએ નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં બેન્ચે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રનેશ ધનુકાના ચુકાદા પ્રત્યે ધ્યાન દોર્યું હતું જેમણે ટ્રસ્ટના વ્યવસ્થાપન સંબંધી મુદ્દાને હાથ ધરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા રાજ્ય સરકારે ધાર્મિક ટ્રસ્ટોને તો બક્ષવા જ જોઈએ.
કોર્ટે જ ટ્રસ્ટને ધાર્મિક લેખાવ્યું છે તો ડિપાર્ટમેન્ટ તેને કઈ રીતે તેની વિરુદ્ધ દલીલ કરી શકે? રોજ કોટલાંય લોકો મંદિરમાં આવીને દાન આપી જાય છે. તેમની આસ્થા પર તમે કઈ રીતે કબૂ કરી શકો? જો કોઈ દાતા ઓળખ આપવા માગતો નહોય કેમ કે તે ધાર્મિક કામ માટે દાન કરી રહ્યો છે તો તમે શું કરી શકો? અનેક બિઝનેસમેન વાર્ષિક ધોરણે શિરડી સહિતના તિર્થસ્થાનોને દાન કરતા હોય છે. તમે ભક્તોની ભાવના પર નિયંત્રણ રાખી શકો નહીં.
ટ્રસ્ટે વકિલ મારફત દલીલ કરી હતી કે અમારે ધર્માદાયી તેમ જ ધાર્મિક ફરજો છે. અમે ધર્માદાયી છીએ ધાર્મિક નથી કે એથી વિપરીત છીએ એમ કહી શકીએ નહીં. અમે બંને છીએ આથી અમે આટલું બધું ધર્માદાન કરીએ છીએ. એવી દલીલો પણ થાય છે કે હિન્દુ દેવતા છે કે મુસ્લિમ દેવતા. અમે કહી શકીએ છીએ કે હિન્દુ અને મુસ્લિમ બંને રોજ મંદિરમાં આવે છે. એક મંદિર છે તેમાં દેવતા છે રોજ પૂજા થા છે અને ત્યાર બાદ વિધિઓ થાય છે. આથી અમે ધાર્મિક ટ્રસ્ટ નથી એ કહેવું ખોટું છે.
અસેસિંગ ઓફિસરના કહેવા મુજબ ટ્રસ્ટને જંગી છુપું દાન મળ્યું હતું. આ રકમને કરવેરામાંથી બાકાત રાખી શકાય નહીં. વધુમાં દલીલ કરાઈ હતી કે ટ્રસ્ટ ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે અને આથી ચેરિટેબલ હોવાને કારણે તેને કરમુક્તિ મળે છે, જોકે આ લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તેના ધાર્મિક ખર્ચ પાંચ ટકાથી વધુ થતા નહોય. આ કેસ આઈટી એક્ટનો ભંગ કર્યાનો છે અને ધાર્મિક કાર્યો પાછળ હેતુપૂર્વક ખર્ચ ઓછો બતાવે છે.