મુંબઈ યુનિ.નો વધુ એક છબરડોઃ લૉના વિદ્યાર્થીઓને જૂના કોર્સનું પ્રશ્નપત્ર અપાયું
વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતાં તાબડતોબ નવું પેપર અપાયું
75 માર્કને બદલે 60 માર્કનું પ્રશ્નપત્ર અપાયું, પેપર વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ગયું ત્યાં સુધી અધિકારીઓ ગાફેલ
મુંબઈ : મુંબઈ યુનિવર્સિટીના પરીક્ષાના છબરડાઓમાં વધુ એક ઉમેરો થયો છે. ત્રણ વર્ષીય લૉ કોર્સની પરીક્ષામાં નવી પેટર્ન ને બદલે જૂની પેટર્નનું પ્રશ્નપત્ર આપતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. 'લેબર લૉ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિલેશન ભાગ એક' ના પેપરમાં બુધવારે આવો છબરડો થતાં વિદ્યાર્થીઓએ ઝીણવટભેર તપાસની માગ કરી છે.
મુંબઈ યુનિવર્સિટીના ત્રણ વર્ષીય 'લેબર લૉ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિલેશન ભાગ એક' વિષયની બુધવારે પરીક્ષા હતી. આ વર્ષથી જ આ પરીક્ષાનો કોર્સ બદલવામાં આવ્યો છે. જૂની ૬૦ઃ૪૦ પરીક્ષા પદ્ધતિને બદલે હવે નવી ૭૫ઃ૨૫ પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષાની તૈયારી કરીને ગયા હતાં. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવ્યું તો તે જૂની પરીક્ષા પદ્ધતિનું જૂના કોર્સનું પેપર હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે બાદમાં તેમને પછીથી નવું પેપર આપવામાં આવ્યું હોવાની પણ માહિતી મળી હતી.
જોકે આવું પ્રશ્નપત્ર યુનિવર્સિટીના કેન્દ્રથી વિદ્યાર્થીઓના હાથમાં ગયું ત્યાં સુધી કોઈએ તેની નોંધ કે તપાસ નહીં કરી હોય? એવો પ્રશ્ન વિદ્યાર્થીઓએ ઉપસ્થિત કર્યો છે. વળી આ બાબતે વિવિધ કૉલેજો મારફત વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હોઈ ઝીણવટભેર તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાશે અને વિદ્યાર્થીઓને તેની જાણ કરાશે, એવું મુંબઈ યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટીકરણમાં જણાવવામાં આવ્યું છે.