શિવાજીની પ્રતિમા તૂટી પડવાની ઘટનામાં મૂર્તિકાર જયદીપ આપ્ટેને જામીન
વડા પ્રધાનના હસ્તે અનાવરણ થયાના ટૂંક સમયમાં દુર્ઘટના
નેવલ ડોકયાર્ડે આપેલા વર્ક ઓર્ડરને આધારે નિર્માણ કર્યાનો દાવો
મુંબઈ - ગયા વર્ષે ઓગસ્ટમાં માલવણ ખાતે તૂટી પડેલી ૨૮ ફૂટની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૈયાર કરનારા મૂર્તિકાર જયદીપ આપ્ટેને બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે જામીન મંજૂર કર્યા છે. ન્યા. બોરકરની બેન્ચે આપ્ટેને રૃ. ૨૫ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા.
પ્રતિમા જોરદાર પવનને લીધે પડી ગઈ હોવાનો દાવો કરીને આપ્ટેએ વકિલ મારફત અરજી કરી હતી. રાજકોટ કિલ્લામાં માલવણ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચોથી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રતિમા ૨૬ ઓગસ્ટે તૂટી પડી હતી. રૃ. ૨.૪૪ કરોડના ખર્ચે ૧૨ ફૂટના પ્લેટફોર્મ પર ઊભી કરાઈ હતી.
મેસર્સ આર્ટિસ્ટ્રીના પ્રોપ્રાઈટર આપ્ટેએ જણાવ્યું હતું કે કાંસ્યની પ્રતિમા નેવલ ડોકયાર્ડ દ્વારા આઠ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જારી કરાયેલા વર્ક ઓર્ડરને આધારે તૈયાર કરી હતી. નેવલ ડોકયાર્ડ ઓથોરિટીએ કોઈ ખામિ હોવાની ફરિયાદ ક્યારેય કરી નહોતી.ઘટનાના નવ કલાકમાં જાહેરબાંધકામ ખાતાની ફરિયાદને આધારે કેસ નોંધાયો છે અને ફરિયાદ કરનારને ટેક્નિકલ જાણકારી નથી. વળી સહઆકોરી ચેતન પાટીલને નવેમ્બરમાં જ જામીન આપી દેવાયા હોવાનું કોર્ટને જણાવાયું હતું.