પ્રેમ સંબંધ માટે ઠપકો આપતાં પુત્રીએ બટકું ભર્યું તો માતાએ ગળું જ દબાવી દીધું
બાંદરામાં ઓનર કીલિંગ, વાઈથી મોતનું નાટક કર્યું
મુંબઇ : ૧૯ વર્ષીય દીકરીના શરીર પર ઈજાનાં નિશાનો તથા ગળું દબાવવાથી મોતના પીએમ રિપોર્ટ બાદ ભેદ ખુલ્યો
બાંદરામાં પુત્રીના પ્રેમસંબંધના લીધે મામલો બિચકતા માતાએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી માતાએ પુત્રીનું વાઇની બીમારીથી મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ મૃતકના નાના-ભાઈ બહેન સામે બની હતી. પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને ઝીણવટભરી પૂછપરછ કરતા છેવટે કેસ ઉકેલાય ગયો હતો. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
બાંદરા સ્થિત ખેરવાડીમાં નથુ ગણપત ચાળમાં આરોપી ટીના બાગડે (ઉં. વ. ૪૦) તેની પુત્રી ભૂમિકા (ઉં. વ. ૧૯) અને નાની પુત્રી, પુત્ર સાથે રહેતી હતી. થોડા વર્ષ પહેલા ટીનાના પતિનું અવસાન થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ જુનિયર કોલેજમાં ભણતી ભૂમિકાને રોહિત સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને ઘણા સમયથી એકબીજાને મળતા હતા. તેમના પ્રેમસંબંધની ટીનાને જાણ થઈ હતી. તેણે એનો વિરોધ કર્યો હતો. આ બાબતે માતા અને પુત્રી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ગઈ કાલે ફરી તેમની ઉગ્ર બોલાચાલી થતા ભૂમિકાએ માતાની આંગળી પર જોરથી બચકું ભર્યું હતું. તેની આંગળીનો થોડા ભાગ કપાઈ ગયો હતો.
જેના કારણે ટીના ખૂબ ગુસ્સે થઈ હતી. તેણે ભૂમિકાનું હાથથી ગળું દબાવી દીધું હતું. તે જમીન પર પડી જતા આંખ પાસે ઈજા થઈ હતી. આ ઘટના ભૂમિકા નાના ભાઈ-બહેન સામે બની હતી. માતા ટીનાએ બન્નેને કોઈને બનાવની જાણ ન કરવા ધમકી આપી હતી, એમ કહેવાય છે.
જ્યારે નજીકમાં રહેતા ટીનાના ભાઈઓ તેના ઘરે દોડી આવ્યા હતા. ત્યારે તેણે કહ્યું કે ભૂમિકાને વાઈનો હમલો આવ્યો છે. તેઓ ભૂમિકાને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં તેની આંખ પર ઈજા અને ગળા પર ઉઝરડાથી શંકા ગઈ હતી. ટીનાની વર્તણૂક પણ શંકાસ્પદ હતી.
મૃતકના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે ટીના અને તેના પરિવારની પૂછતાછ કરી હતી. પોલીસે મૃતકને ભાઈ-બહેનને વિશ્વાસમાં લીધા હતા. તેમણે પોલીસને ઘટના વિશે બધું જણાવી દીધું હતું. બાદમાં ટીનાએ પણ સતત પૂછપરછ કરાતા ગુનો કબૂલી લીધો હતો.
આરોપી માતાએ પુત્રીની વાઇની બીમારીથી પોલીસને ગેરમાર્ગે દોરી બચવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકની વાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
પોલીસે આજે હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ કેસ નોંધી ટીનાની ધરપકડ કરી હતી.