મુંબઈમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ઓન વ્હીલ્સ શરુ કરાઈ
બંધ સ્કૂલ બસમાં શરુ કરાયેલ શાળા દર અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં જાય છે
મુંબઈ : કોરોના કાળમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓની સ્કૂલો છૂટી ગઈ કેટલાંક વિદ્યાર્થીઓ મોબાઈલના અભાવે કે ફીના અભાવે શિક્ષણથી વંચિત બન્યાં. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. તેમાંય પહેલાંથી છઠ્ઠા, સાતમા ધોરણના વિદ્યાર્થીઓ વધુ પડતાં છે. આથી આવા વિદ્યાર્થીઓ માટે મુંબઈમાં સ્કૂલ ઓન વ્હીલ્સનો ઉપક્રમ શરુ કરાયો છે. જેમાં નાના ભૂલકાંઓ પણ હોંશે હોંશે સહભાગી થઈ ભણવા આવી રહ્યાં છે.
આ ઉપક્રમ અંતર્ગત હાલ બંધ પડેલી સ્કૂલ બસને જ આકર્ષક વર્ગખંડમાં ફેરવી દેવામાં આવી છે. તેમાં પુસ્તકો, પાટી-પેન, ચાર્ટ્સ રાખવામાં આવ્યા છે. ઉપરાંત સુરક્ષાના પણ તમામ નિયમોનું પાલન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ બસ દર અઠવાડિયે વિવિધ વિસ્તારમાં જાય છે અને ત્યાં દરરોજ વિદ્યાર્થીઓને ભણાવે છે. ભવિષ્યમાં આવી અનેક બસ શરુ કરવાનો વિચાર પણ આ ઉપક્રમના પ્રણેતા અશોક કૂર્મિએ વ્યક્ત કર્યો છે.