શિંદેના ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટનો વિધાનસભા સ્પીકરને નિર્દેશ, જાણો શું કહ્યું
સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકરને આ અરજીઓ પર સમયમર્યાદા અંગે એક અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને કહ્યું કે, તેઓ આગામી અઠવાડિયે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સહયોગી ધારાસભ્યોની અયોગ્યતાથી જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરે. આ સુનાવણીમાં તેઓ કેસના નિકાલની સમય મર્યાદા નક્કી કરે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, સ્પીકર કાર્યાલય તેમને તે દિવસે પોતાની તરફથી ઉઠાવવામાં આવેલા નિર્ણયોની માહિતી આપે.
અયોગ્યતાના મામલા અનિશ્ચિત કાળ સુધી પેન્ડિંગ ન રહી શકેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અયોગ્યતાના મામલા અનિશ્ચિતકાળ સુધી પેન્ડિંગ ન રહી શકે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટના 11 મેના આદેશ છતા સ્પીકર કાર્યાલયે શિંદે કેમ્પના ધારાસભ્યોની અયોગ્યતા પર સુનાવણીને ઝડપી નથી બનાવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્ર રાજકીય વિવાદ પર નિર્ણય સંભળાવતા સમયે પોતાની તરફથી જાહેર નિર્દેશોનું સન્માન કરવાની આશા રાખે છે. શિવસેના ધારાસભ્યોની અયોગ્યતાની અરજીઓ પર નિર્ણયમાં મોડું થવા પર સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, સ્પીકરને સુપ્રીમ કોર્ટની ગરિમાનું સન્માન કરવું જોઈએ.
એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને નિશાન આપવા વિરૂદ્ધ પણ છે કેસ
ઉદ્ધવ ઠાકરે જૂથે પાર્ટી અને તેના ચિહ્ન એકનાથ શિંદેને આપવા વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે 3 અઠવાડિયા બાદ કેસમાં સુનાવણીની વાત કહી છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ચૂંટણી પંચનો નિર્ણય રદ્દ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય દળમાં થયેલ ભંગાણ કહેવું ખોટું છે.