રાજ્યના 108 શિક્ષકોને સાવિત્રીબાઈ ફૂલે પુરસ્કાર જાહેર
સ્કૂલ શિક્ષણ વિભાગે યાદી જાહેર કરી
મુંબઈના 8 શિક્ષકોને પણ 5મી સપ્ટેમ્બરે એવોર્ડ એનાયત થશે
મુંબઈ : સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષના ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાજ્ય શિક્ષક ગુણગૌરવ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા. જેમાં ૧૦૮ શિક્ષકોને આ પુરસ્કાર જાહેર કરાયો છે, તેમની યાદી સ્કૂલ શિક્ષણ વિભાગે જાહેર કરી છે.
આ પુરસ્કાર માટે પ્રાથમિક શાળાના ૩૭, માધ્યમિક શાળાના ૩૯ અને આદિવાસી ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનારા પ્રાથમિક શાળાના ૧૯ શિક્ષકો સહિત સાવિત્રીબાઈ ફૂલે આદર્શ શિક્ષકોમાં આઠ તેમજ વિશેષ કલાક્રિડાના બે તથા દિવ્યાંગ શિક્ષકોમાં એક અને સ્કાઉટ ગાઈડમાંના બે મળી કુલ ૧૦૮ શિક્ષકો પસંદ કરાયાં છે.
આ પુરસ્કાર માટે માટે પસંદ કરાયેલાં શિક્ષકોમાં ૫૧થી વધુ શિક્ષક જિલ્લા પરિષદની શાળાના છે, બાકીના અનુદાનિત અને અન્ય સ્કૂલોના શિક્ષકોનો સમાવેશ છે. ખાસ વિશેષતા એ કે ૩૪થી વધુ મહિલા શિક્ષકોએ આ પુરસ્કાર પટકાવ્યો છે. આ પુરસ્કાર પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકોને અપાશે. આ પુરસ્કાર માટે મુંબઈના આઠ શિક્ષકો પસંદગી પામ્યાં છે. જેમાં મુંબઈમાંથી પ્રાથમિક શિક્ષક પુરસ્કારમાં ત્રણ, માધ્યમિક શિક્ષક પુરસ્કારમાં ચાર અને આદર્શ શિક્ષિકા પુરસ્કારમાં એક શિક્ષિકા મળી કુલ આઠ શિક્ષકો પુરસ્કાર પ્રાપ્ત કરશે.