બાવનકુળેનો પુત્ર સંકેત કેટલીય કંપનીઓમાં ડાયરેક્ટર, ભાજપ યુવા મોરચાનો હોદ્દેદાર
પ્રદેશ પ્રમુખના પુત્રના ઓડીના અકસ્માતથી ભાજપ માટે સામી ચૂંટણીએ મુશ્કેલી
નાગપુરના સંકેતની ઓડીએ અનેક વાહનોને ઉડાવ્યાં બાદ સંકેતના ભાજપના ખેસ સાથે અને ભાજપના કાર્યક્રમોના ફોટા વાયરલ
મુંબઈ : વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવા સમયે જ ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેના દીકરા સંકેતની ઓડીનો અકસ્માત કાંડ સર્જાતાં ભાજપ બેકફૂટ પર આવી ગયો છે. સંકેત ખુદ ભાજપ યુવા મોરચાનો હોદ્દેદાર છે અને કેટલીય કંપનીઓમાં ડાયરેક્ટર છે.
નાગપુરમાં રવિવારે રાતે સંકેતની માલિકીની ઓડી ૧૫૦ની સ્પીડે કેટલાંય વાહનો પર ધસી ગઈ હતી. બે અલગ અલગ કાર ઉપરાંત કેટલાંક ટુ વ્હીલરોને આ ઓડીએ અડફેટે લેતાં બે લોકોને ઈજા થઈ હતી. પોલીસે કાર ચલાવી રહેલા સંકેતના મિત્રની તથા કારમાં હાજર અન્ય મિત્રની ધરપકડ કરી છે. જોકે, સંકેત કારમાં બેઠો હોવા છતાં આ એફઆઈઆરમાં ક્યાંય તેનું નામ લખાયું નથી કે તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. અકસ્માત બાદ લોકો દ્વારા મારપીટથી બચવા સંકેત બીજી કારમાં ભાગી ગયો હતો.
ચન્દ્રશેખર બાવનકુળેએ પોતે સ્વીકાર્યું છ ે કે આ કાર સંકેતના નામે નોંધાયેલી છે. અકસ્માત બાદ કારની નંબર પ્લેટ કાઢી નાખી બદલી દેવાનો પણ પ્રયાસ થયો હોવાના આક્ષેપો કરાયા છે. પોલીસ બાવનકુળેના દબાણ હેઠળ ભીનું સંકેલી રહી હોવાનો આક્ષેપ વિપક્ષો કરી રહ્યા છે જોકે બાવનકુળે આ કેસમાં કોઈ દબાણ વિના નિષ્પક્ષ તપાસ થશે તેવાં ગાણાં ગાઈ રહ્યા છે.
સંકેત બાવનકુળે ખુદ ભાજપમાં એકદમ સક્રિય છે. તે યુવા મોરચાનો કારોબારી સભ્ય છે. આ ઉપરાંત ભાજપ યુવા મોરચાનો કેટલાક જિલ્લાઓનો પ્રભારી પણ રહી ચૂક્યો છે. ભાજપના ખેસ સાથે તથા ભાજપના કાર્યક્રમોમાં સંકેતન ાઅનેક ફોટા વાયરલ થયા છે. સંકેત કેટલીક કંપનીઓમાં ડાયરેક્ટર છે અને અમુક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છે.
સંકેત તથા તેના મિત્રો નાગપુરના એક બિયર બારમાંથી પાછા ફરતા હતા ત્યારે તેમની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. બારમાં સંકેત તથા તેના મિત્રોએ દારુ પીધો હતો કે નહિ તે નક્કી કરવા ચાલક સહિત અન્યના બ્લડ સેમ્પલ લેવાયાં છે.